સમાજની શાંતિ ભંગ કરતી, રાજકીય કે સામાજિક વાતાવરણથી વિપરીત ચાલતી ફિલ્મો, સિરીઝ, ડોક્યુમેન્ટરીઝ પર પ્રતિબંધ અન્ય દેશોમાં પણ મુકાતો રહ્યો છે. આવા પ્રતિબંધ સમય સાથે, સંબંધિત મુદ્દો મોળો પડ્યે હટી પણ જાય છે. ઇન્ટરનેટના યુગમાં પ્રતિબંધ છતાં દર્શકોને મનગમતું જોવાની તક પણ ઝાઝું કરીને મળી જાય છે
એક ફિલ્મ સિનેમાઘરમાં આવી. લોકોએ જોઈ. વિવેચકોએ એને નબળી લેખાવી. નયનતારા જેવી સ્ટારની હાજરી છતાં ફિલ્મની ખાસ નોંધ લેવાઈ નહીં. પછી ફિલ્મ આવી ઓટીટી પર અને તરત વાંધો ઊઠ્યો, “ફિલ્મ લવ જિહાદને પોષે છે, બ્રાહ્મણ સમાજનું અપમાન કરે છે, ભગવાન શ્રીરામને માંસ આરોગતા એવું અયોગ્ય નિરૂપણ કરે છે.” વાત વણસી. છેવટે સર્જકોએ ઓટીટી પરથી ફિલ્મ હટાવી લેવાનો નિર્ણય લીધો. આ ફિલ્મ એટલે ‘અન્નપૂર્ણી,’ જેનું મેકિંગ વખતે નામ હતું નયનતારા 75, કારણ એ નયનતારાની પંચોતેરમી ફિલ્મ છે.
ફિલ્મો અને વિવાદોને હુ બને છે. માત્ર આપણે ત્યાં નહીં, આખી દુનિયામાં. મેકર્સ સર્જનાત્મક સ્વાતંત્ર્યને નામે ઘણીવાર એવું બનાવી બેસે છે જે અમુક લોકોને પચે નહીં. બેઉ પક્ષ પોતપોતાની જગ્યાએ સાચા. એકનો અધિકાર કલ્પનાશક્તિ મુજબ મનોરંજન પીરસવાનો છે. બીજાનો એ સર્જનો સામે વાંધો ઉઠાવવાનો જે એમને સામાજિક દ્રષ્ટિએ અભદ્ર, ભદ્દું, અયોગ્ય અને ખોટાં લાગે. એક સમયે મનોરંજન સિનેમાઘરો પૂરતું મર્યાદિત હતું. પછી વિડિયો, ટેલિવિઝન આવ્યાં. હવે ઓટીટી છે. ઓટીટીને લીધે અનેક સર્જનો દર્શકોના હાથના રિમોટ નામના રકમડાથી સદૈવ ઉપલબ્ધ થઈ ગયાં. ઘણીવાર એ ઓટીટી પર સુસ્ત પડ્યાં રહે છે. કોઈનું ધ્યાન જ જતું નથી. અને હા, આજે વિવાદાસ્પદ લાગતાં સર્જનો આવતીકાલે સાવ સામાન્ય પણ લાગે. કારણ બદલાતી સામાજિક સ્થિતિઓ, ક્રિએટિવ ફ્રીડમનો વિસ્તરતો વ્યાપ અને કોઈક વિવાદાસ્પદ મુદ્દામાંથી લોકોનો સમય સાથે ઓછો થઈ જતો રસ.
‘અન્નપૂર્ણી’ સામે વાંધા થવાથી એ ચર્ચામાં છે. ઓટીટી પરથી એ છૂ થઈ છતાં, જેમને જોવી છે એ જોઈ જ શકે છે. ઇન્ટરનેટ પર ઘણા વિકલ્પો છે. એની વાત ફરી ક્યારેક. હમણાં વાત થોડાં વિવાદાસ્પદ સર્જનોની.