પંચાયત: મે મહિનામાં એની ત્રીજી સીઝન આવી. ઓટીટી પરની એ કદાચ સૌથી સારી ફ્રેન્ચાઇઝી પહેલી બે સીઝનમાં સાબિત થઈ ગઈ હતી. ત્રીજી સીઝન એટલી તો સારી રહી જ કે દર્શકોએ એને જોવામાં ખર્ચેલો સમય વ્યર્થ ગયાની લાગણી ના થાય. અસલ દેશી માહોલ વચ્ચે આ સીઝનમાં રાજકીય ટ્વિસ્ટ ઉમેરાયો. વાર્તામાં નિર્દોષતા સાથે ખટપટ ઉમેરાઈ. આઠ એપિસોડની લેટેસ્ટ સીઝન સરવાળે જૂના-નવાના કોમ્બિનેશનથી અલગ તરી આવી. ના જોઈ હો. તો ‘પંચાયત’ જરૂર જોઈ શકાય છે.
કોટા ફેક્ટરી: જીતેન્દ્ર કુમારની આ બીજી સિરીઝ પણ ત્રીજી સીઝનમાં પ્રવેશી. ‘પંચાયત’માં સચિવ તો અહીં જીતુ ભૈયા તરીકે એ રંગ રાખે છે. પાંચ એપિસોડની સીઝનમાં જીતુ ભૈયા પોતે માનસિક તાણમાંથી પસાર થતા હોય એ એન્ગલ સહિત વિદ્યાર્થીઓના પ્રશ્નો પણ પહેલાંની જેમ વણાઈ જાય છે. એકમેકથી સાવ ભિન્ન એવી પંચાયત અને આ સિરીઝ આપણા ઓટીટી વિશ્વની બે દમદાર રજૂઆત છે.
મિર્ઝાપુર: કોવિડ પહેલાંથી ઓટીટી તરફ દર્શકોનું ધ્યાન ખેંચનારી આ સિરીઝ આ વરસે ત્રીજી સીઝન સાથે રિવાઇવ થઈ. એમ કરતાં છ વરસ એને લાગ્યાં પણ ઠીક છે. મારધાડ અને તંગ વાતાવરણ જેમને ફાવે એમના માટે સિરીઝ પહેલેથી માણવાલાયક રહી છે. જોકે ત્રીજી સીઝનમાં કથાનક પહેલાં કરતાં નબળું રહ્યું એ નક્કી. અલી ફઝલ અને પંકજ ત્રિપાઠીના પરફોર્મન્સથી લેટેસ્ટ સીઝન કંઈક અંશે બચી ગઈ એ પણ નોંધવું રહ્યું.
સિટાડેલ હની બની: આ સિરીઝનો ઉલ્લેખ માત્ર એટલા કારણસર કે એમાં સામંથા રૂથ પ્રભુ, વરુણ ધવન અને કે. કે, મેનન જેવાં મોટાં ગજાનાં કલાકારો છે. સિરીઝ સાથે વરુણે ઓટીટી પર વિધિવત્ પદાર્પણ કર્યું છે. જોકે જે ઓરિજિનલ અમેરિકન સિરીઝ અને એના ભારતીય સંસ્કરણની જેમ આ સિરીઝ પણ સાધારણ છે. ખર્ચાળ છતાં કંગાળ એવું એના માટે કહી શકાય.
હીરામંડી: સંજય લીલા ભણસાલી ઓટીટી પર આવે એ પોતાનામાં એક બ્રેકિંગ ન્યુઝ કહેવાય. ખાસ્સા વિલંબ પછી એમની સિરીઝ ‘હીરામંડી’ આ વરસે પડદે પહોંચી અને એણે, દર્શકોને બે હિસ્સામાં વહેંચી નાખ્યા. એક વર્ગ એવો જેમને સિરીઝ બેહદ ગમી. બીજો જેમને એ ભણસાલીની કક્ષાની નહીં લાગી. છતાં, મેકિંગ, મ્યુઝિક, સ્ટાર વેલ્યુ સહિતનાં પરિબળોની દ્રષ્ટિએ સિરીઝ સુપર રહી એ પાકું છે. આઝાદીની લડાઈની પશ્ચાદભૂમાં આકાર લેતી સિરીઝે સિતારાઓની હાજરીથી પણ દમામ રાખ્યો. એની નવી સીઝન પણ આવવાની છે.