ઓટીટીએ જે કર્યું છે એ ફિલ્મો અને ટીવી સિરિયલ્સ કદાચ વરસો અને દાયકાઓ સુધી કરી શકી નથી. મુઠ્ઠીભર કલાકાર-કસબીઓને જ માથે બેસાડીને પૂજવાની મનોરંજનનાં એ બે માધ્યમોથી સાવ જુદો ચીલો ઓટીટીએ ચાતર્યો છે. એનાં મસ્ત પરિણામ સૌની સામે છે
મનોજ બાજપાયી આમ તો ‘સત્યા’ના સમયથી જાણીતા સ્ટાર. બિહારના ચંપારણ જિલ્લાના નાનકડા ગામ બેલવામાં જન્મેલા આ સિતારાએ ચોથા ધોરણ સુધી કુટિરમાં ચાલતી શાળામાં અભ્યાસ કર્યો. સત્તર વરસની ઉંમરે દિલ્હી ગયા. ત્યાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશ નહીં મળતાં આત્મહત્યા કરવાનો વિચાર કર્યો. પછી બેરી જોનની ઇન્સ્ટિટ્યૂટમાં અભિનયના પાઠ ભણ્યા. ચાર વખત નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પ્રવેશના નિષ્ફળ પ્રયાસ પછી ત્યાં જ એમને શિક્ષક તરીકે કામ મળ્યું. 1994માં ગોવિંદ નિહલાનીની ફિલ્મ ‘દ્રોહકાલ’માં એક મિનિટનો રોલ અને એ વરસે જ શેખર કપૂરની ‘બેન્ડિટ ક્વીન’માં નાનકડો પણ મહત્ત્વનો રોલ ભજવ્યો. પછી અન્ય પરચૂરણ પાત્રો, ઓછા દામમાં ટીવી સિરિયલમાં કામ કરવાની તૈયારી અને 1997ની રામ ગોપાલ વર્માની ફિલ્મ ‘દૌડ’માં નાનકડું પાત્ર મળવા સાથે રામુને લાગ્યું કે આ તો ટેલેન્ટનો બોમ્બ છે. એમાંથી ‘સત્યા’માં ભીકુ મ્હાત્રે બનવાની તક અને…
મનોજે એ પછી પાછું વળીને જોવાનો વારો નહીં આવ્યો છતાં, હકીકત એ ખરી કે બોલિવુડમાં એમની ટેલેન્ટનો ઉપયોગ ઓછો થયો. એટલે જ ઓટીટી પર જબ્બર નામ અને સફળતા મેળવીને તેઓ ખુશખુશાલ છે. તેઓએ કહ્યું છે, “ઓટીટીએ અમ કલાકારો માટે નવાં દ્વાર ઉઘાડી આપી મનોરંજનની દુનિયા નવી રીતે ખેડવાના વિકલ્પ આપ્યા છે.” એમની વાતમાં દમ છે. ઓટીટી વિના અનેક કલાકારો એ સ્થાને પહોંચી શક્યા ના હોત જ્યાં તેઓ છે.
ઓટીટીએ કલાકારોને ટાઇપકાસ્ટ થવાના ભયથી પણ મુક્ત કર્યા છે. એક સમયે ફિલ્મી કલાકારોને એવો ભય ટેલિવિઝનના નામથી લાગતો. અમિતાભ બચ્ચને પહેલીવાર ‘કૌન બનેગા કરોડપતિ’ હોસ્ટ કર્યો હતો ત્યારે ગણગણાટ થયો હતો કે લો, આમની કારકિર્દી પતી ગઈ. થયું સાવ ઊંધું. ‘કેબીસી’એ સ્ટાર પ્લસને તારવા સાથે બિગ બીની કરિયરને નવી ઉડાન ભરતી કરી આપી.
ઓટીટીએ આવું કંઈક ઘણા કલાકારો માટે કર્યું છે. ફિલ્મોમાં અને ટીવીમાં જેમનો ખાસ ગજ વાગતો નહોતો, દમદાર પાત્રો મળતાં નહોતાં એવા પ્રતિભાવંત કલાકારોને ઓટીટીએ ઝળકાવ્યા છે. આ કલાકારો હવે લોકહૃદયમાં બિરાજવા સાથે તગડી આવક રળે છે. ઘણાને ઓટીટીએ પ્રાદેશિકથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ બનાવ્યા છે. અમુક એવા છે જેમની કરિયર ઓટીટી અને ઓનલાઇન માધ્યમોને જ આભારી છે.