દેશમાં આશરે ૪૦ ઓટીટી પ્લેટફોર્મ્સ તો છે જ. ક્યાંક તો એવું પણ કહે છે કે આ સંખ્યા ૮૦ સુઘી પહોંચી ગઈ છે. આવું જાણીને મનમાં થાય કે તો પછી લોકો શાને ટોપ ફાઇવ કે ટેન ઓટીટી પ્લેટફોર્મ્સને જ વળગેલા છે? અને આ બાકીનાં ઓટીટી કરે છે શું? એ બતાવે છે શું? એમ પણ થાય કે દર્શકોને ખરેખર ખબર પણ છે કે બીજાં અનેક ઓટીટી એમના માટે ઉપલબ્ધ છે? ઘણાં તો મફતમાં પણ છે? ઘણાં અનોખાં અને અનપેક્ષિત પ્રકારનાં છે અને ઇન્ટરેસ્ટિંગ પ્રોગ્રામ્સ જોવાની તક પૂરી પાડે છે.
આજે વાત એવા થોડાં ઓટીટી પ્લેટફોર્મ્સની કરીએ. એમના વિશે સામાન્યપણે ખાસ કશું સંભળાતું નથી. ચર્ચામાંથી બાકાત રાખીશું દક્ષિણ ભારત, બંગાળ અને અન્ય ભાષાઓનાં એ પ્લેટફોર્મ્સ જેમાં આપણને ખાસ ટપ પડે નહીં. લેટ્સ સ્ટાર્ટ.
સૌથી પહેલાં એક નવાનક્કોર પ્લેટફોર્મની વાત, એના પ્રમોટર મૂળ મુંબઈના અને ન્યુ યોર્કના હિક્સવિલમાં રહેતા મુકેશ મોદી છે. તેઓ વેપારી અને ફિલ્મમેકર પણ છે. ગયા વરસે આવેલી ‘ધ એલિવેટર’ નામની ફિલ્મના તેઓ સહદિગ્દર્શક હતા. તેમનું ઓટીટી પ્લેટફોર્મ ઇન્ડી ફિલ્મ્સ વર્લ્ડ ભારતમાં પદાર્પણ કરી ચૂક્યું છે. એક વરસના રૂપિયા ૨૯૯ એનું લવાજમ છે. ‘મિશન કાશી’ નામની વેબ સિરીઝ સાથે એ ઉત્તેજના જગાડી સબસ્ક્રાઇબર્સ એકઠા કરવાની અપેક્ષા સેવે છે. વેબસાઇટ ઉપરાંત એની એપ પણ છે. એની વિઝિટ કરતાં ખ્યાલ આવ્યો કે એપ પરની ઘણી ફિલ્મો કે વેબ સિરીઝનાં નામ સુધ્ધાં બહુ ઓછા દર્શકો જાણતા હશે. આ એપમાં અમુક ફિલ્મો અને વેબ સિરીઝ મફતમાં માણી શકાય છે. સાવ જુદું કશુંક જોવા આ ઓટીટીનો અખતરો કરવા જેવો છે. બાકી એનાં નીવડયે વખાણ થશે.
લાયન્સગેટ પ્લેનું નામ ઘણાંએ સાંભળ્યું હશે. એને જોનારા ઓછા હોઈ શકે છે. એ અમેરિકાના કેલિફોનયામાં સ્થિત કંપની છે. આ કંપની ફિલ્મો અને શોઝનું નિર્માણ પણ કરે છે. હિન્દી અને અંગ્રજી સહિતની ભાષાઓની ફિલ્મો અને વેબ સિરીઝ લાયન્સગેટમાં છે. વિશ્વભરના અનેક સારા પ્રોગ્રામ્સ એના કલેક્શનમાં છે. એનું લવાજમ એમેઝોન મારફત અથવા સીધા લાયન્સગેટ થકી મળી શકે છે. રિલાયન્સ જિયોના અમુક પ્લાન્સ સાથે એ વિનામૂલ્યે મળે છે.
મુબી નામનું પણ એક પ્લેટફોર્મ ઓછું જાણીતું પણ સરસ છે. દેશ-વિદેશની સારી અને ક્લાસિક ફિલ્મો એના પર જોઈ શકાય છે. ૧૯૦ દેશમાં ઉપલબ્ધ આ પ્લેટફોર્મ પર ‘નોટબુક’ નામનું પ્રકાશન પણ છે. એમાં મનોરંજન જગતના સમાચાર અને સમીક્ષા માણી શકાય છે. ચુનંદી ફિલ્મો થિયેટરમાં માણવા એ ટિકિટો પણ આપે છે. આ ઓટીટી પ્રમાણમાં મોંઘું છે. એનું સબસ્ક્રિપ્શન વાષક રૂપિયા બે અથવા અઢી હજારના કોઈ એક વિકલ્પ પ્રમાણે લઈ શકાય છે.
ટયુબીટીવી નામના ઓટીટી પ્લેટફોર્મ ખાસ્સું અજાણ્યું નામ હોઈ શકે છે. એ પણ વિનામૂલ્યે માણી શકાય છે. સબસ્ક્રાઇબ કરવાની ઝંઝટ વિના. વોર્નર બ્રધર્સ, પેરેમાઉન્ટ, એમજીએમ, લાયન્સગેટ જેવા હોલિવુડની ટોચની કંપનીઓની ફિલ્મો અને શો ટયુબીટીવી પર અવેલેબલ છે. એનું ઓવરઓલ કલેક્શન સરસ છે. જૂની અને નવી હિન્દી ફિલ્મો એમાં સામેલ છે પણ પ્રમાણમાં ઓછી છે. એમાં ક્લાસિક, પારિવારિક સહિતની શ્રેણીઓમાં ફિલ્મો તારવવામાં આવી છે. ટ્રાય કરજો.