લોકો કેવા કેવી વિડિયોથી, કેવી કેવી કિસ્મતથી ઇન્ટરનેટ સ્ટાર બની શકે એનું કાંઈ કહેવાય નહીં. એમેઝોનથી એમએક્સ સૌ ફિલ્મો, વેબ સિરીઝ વચ્ચે ટૂંકા વિડિયોને સિરિયસલી લે છે. કારણ એટલું જ કે એની બજાર એવી ફાટી છે કે વાત ના પૂછો
મુંબઈની લોકલ ટ્રેન અને માણાવદરથી મહેસાણા જતી જીએસઆરટીસીની બસમાં સામ્યતા શી છે? બેઉમાં અઢળક પ્રવાસીઓ એમના મોબાઇલમાં જબ્બર ઓતપ્રોત હોય છે. બચ્ચા હો યા બુઢા. ભારતીયો રોજ સરેરાશ 38 મિનિટ જેટલો સમય રીલ્સ અને શોર્ટ્સ જોવામાં ખર્ચી રહ્યા છે. આવું હોય એટલે આવાં દ્રશ્યો સર્વત્ર હોય. નિષ્ણાતોની ધારણા મુજબ 2025 સુધીમાં 60 કરોડ ભારતીયો (સ્માર્ટફોન વાપરતા આપણામાંના 67% લોકો હોં) ટૂંકી અવધિના વિડિયોઝના પાક્કા અને પૂરેપૂરા એક્ટિવ યુઝર્સ થઈ જવાના છે. આમ તો આવું થવમાં બાકી પણ શું છે હવે? આટઆટલી પ્રચંડ સંખ્યામાં લોકો જે પ્રવૃત્તિમાં ડૂબે એના લીધે એ પ્રવૃત્તિ ગંજાવર વેપાર બની જાય. દર્શકોના આ વિડિયોપ્રેમને લીધે 2030 સુધીમાં આ ઉદ્યોગનું મૂલ્ય 19 બિલિયન અમેરિકન ડોલર આંબી જવાનું. આપણા ચલણમાં એ થાય આશરે 15,66,46,45,00,000 રૂપિયા. આ ઉદ્યોગને નામ મળ્યું છે ક્રિએટર્સ ઇકોનોમી.
કોઈક રાક્ષસની જેમ દિવસે ના વધે એટલો રાતે અને રાતે ના વધે એટલો દિવસે આ ઉદ્યોગ વિકસી રહ્યો છે. બોલે તો, ઓનલાઇન કમાવાની તકે સૌને બઘવાવી નાખ્યા છે. ચૌરે ને ચોટે એણે શોર્ટ્સ અને રીલ્સ બનાવનારા ઊભા કર્યા છે. એમાંના અમુક ઝાઝા નસીબવાળા છે. સાવ અનાયાસે એમના વિડિયોઝ ગામ, શહેર, રાજ્ય અને દેશની સરહદો આળંગીને અપરંપાર દર્શકો સુધી પહોંચી ગયા. અમુક એવા પણ છે જેમના વિડિયો બીજા કોઈકે અપલોડ કર્યા અને લાગી લોટરી. એકવાર લોટરી લાગી પછી સ્ટાર બનનારા સફાળા બેઠા થયા અને વિચારવા માંડ્યા, “લે! આ તો માળું મોઢું ખોલ્યું ને પતાસું પડ્યું. હવે કાંઈક કરવું પડશે.”
એ સાથે એમણે અથવા એમના લાગતાવળગતાઓએ આદરી મહેનત. લક્ષ્ય એક જઃ ઇન્ટરનેટ સેન્સેશન થનારને સ્ટાર બનાવો અને આવક ઊભી કરો. એનાં ઉદાહરણ આખી દુનિયામાં છે. અન્યથા જેમને કદાચ કોઈ ક્યારેય ઓળખતા ના હોત એવા આ નસીબના બળિયા સ્ટાર્સ વાઇરલ વિડિયોઝથી ધનાઢ્ય પણ થયા છે.