યુટયુબ પર અત્યારે 853 કરોડ વિડિયોઝ છે અને એમાં દર મિનિટે નવા પાંચસો મિનિટના વિડિયો અપલોડ થયે રાખે છે. શું તમે જાણો છો કે બીજાં ત્રણેક ડઝન પ્લેટફોર્મ્સ એવાં છે જે યુટયુબની જેમ વિડિયોના ખજાના ધરાવે છે?
ઓટીટીની વાત આવે કે સૌ મોબાઇલ એપ્લિકેશન્સ અને પછી યુટયુબનું અનુમાન સૌથી વધુ લગાડે. ઓટીટી શબ્દ એનો પર્યાયવાચી શબ્દ બન્યો છે. યુટયુબની પ્રચંડ તાકાતને કારણે એવું થયું છે કે એના જેવા અને એનાથી અલગ ઓપરેટ થતાં અન્ય પ્લેટફોર્મ્સ હાંસિયામાં ધકેલાઈ ગયાં છે. વાસ્તવિકતા એ છે કે ઇન્ટરનેટ પર બીજા વિકલ્પો પણ છે જે સૂંડલામોઢે મનોરંજન પીરસે છે. અમુક બેહદ રસપ્રદ છે. લેટ્સ ચેક.
ઇન્ટરનેટ આર્કાઇવ: મનોરંજન, જ્ઞાન, સાહિત્ય, સોફ્ટવેર સહિત અનેક બાબતોના પિપાસુઓ માટે આ એક સર્વોત્તમ સાઇટ છે. એમાં અકલ્પનીય ખજાનો છે. એમાં વિડિયો પણ અસંખ્ય છે. જે ઇન્ટરનેટ યુઝર્સ ક્યારેય જાણ્યે-અજાણ્યે આ વેબસાઇટ પર હોય તો પણ કદાચ તેમને એની ખરી ઉપયોગિતા ખબર ના હોય એ શક્ય છે. આ અમેરિકન કંપનીનો મૂળ મંત્ર છે, સહુ માટે જ્ઞાાન.
સંખ્યામાં જાણીએ તો ૨૦૨૩ની શરૂઆતમાં આ સાઇટ પર ૩.૬ કરોડ પુસ્તકો, ૧.૧૬ કરોડ ફિલ્મો, વિડિયો, ટીવી શોઝ અને ક્લિપ્સ, ૯.૫ લાખ સોફ્ટવેર, દોઢ કરોડ ઓડિયો ફાઇલ્સ… બીજું ઘણુ હતું. સાઇટ પર કોઈ પણ વ્યક્તિ મટિરિયલ અપલોડ અને ડાઉનલોડ કરી શકે છે એ એનો મોટો પ્લસ પોઇન્ટ છે.
ઇન્ટરનેટ આર્કાઇવ ખરા અર્થમાં અન્ય પ્લેટફોર્મ્સથી અલગ છે. એમાં અવેલેબલ ઘણી ફિલ્મો, ઘણાં ગીતો, શોઝ વગેરે કદાચ અન્યત્ર નથી અથવા બીજે એને શોધતા નાકે દમ આવી શકે. ઉદાહરણ લઈએ. ખાસ કરીને કોપીરાઇટ ફ્રી મટિરિયલ્સ. જે ફિલ્મો, ગીતો, પુસ્તકો પરથી નિશ્ચિત વરસો પસાર થયે કોપીરાઇટનો નિયમ નીકળી જાય (મતલબ એ કોઈ પણ કાયદાકીય લપછપ વિના સૌની માલિકીનાં થઈ જાય) એ આ સાઇટ પર મહત્તમ મળે છે. દરેકની ગુણવત્તા પણ શ્રેતમ હોય છે. ઓનલાઇન જોવાની ઝંઝટ પણ નહીં. જે ચાહે એ વ્યક્તિ મનગમતું મટિરિયલ ડાઉનલોડ કરી શકે. ચાર્લી ચેપ્લિનની કોપીરાઇટ ફ્રી ફિલ્મો, દાખલા તરીકે, જોવાની ઇચ્છા હોય તો આ સાઇટ પર સર્ચ કરો. મળે એ બધી ફિલ્મો ડાઉનલોડ કરો અને મનચાહે ત્યારે અને તેટલીવાર જુઓ. અલભ્ય અને અપ્રાપ્ય એવા મનોરંજક ઓપશન્સ માટે ઇન્ટરનેટ આર્કાઇવ બેજોડ છે.
સાઇટ વાપરવી આસાન છે. એમાં સીધું સ્ટ્રીમિંગ નથી. સાઇટ પર સર્ચ કરીને અપેક્ષિત વસ્તુ ડાઉનલોડ કરી લેવાની. ડાઉનલોડ માટે ગુણવત્તા, ફોરમેટ, સાઇઝના વિકલ્પો હોય તપાસી યોગ્ય તે ડાઉનલોડ કરી શકાય. બ્લેક એન્ડ વ્હાઇટના સમયના શ્રે મનોરંજક વિકલ્પો માટે આ કદાચ સૌથી ભરોસાપાત્ર પ્લેટફોર્મ છે.
વિમિયોઃ અમેરિકાની આ કંપની, આવી જ બીજી એક કંપની સાથે મળીને, યુટયુબનો પર્યાય છે. એના વપરાશકર્તાની સંખ્યા બાવીસ કરોડ છે. સબસ્ક્રાઇબર્સ ૧૬ કરોડ છે. એનાં સીઈઓ અંજલિ સુદ નામનાં ભારતીય મૂળનાં અમેરિકન બિઝનેસવુમન છે. માત્ર ૩૯ વરસની વયે તેઓ વિશ્વની એક અગત્યની વિડિયો સ્ટ્રીમિંગ કંપની સંભાળી રહ્યાં છે.
વિમિયોની તુલના યુટયુબથી કરો તો કદાચ એની ખાસ વિસાત કાંઈ નથી. બન્નેની તાકાતમાં આભ-જમીનનો ફેર છે. છતાં, વિમિયોના પોતાના પ્લસ પોઇન્ટ્સ છે. વિમિયો કોર્પોરેટ વિશ્વ વધુ વાપરે છે. એનું ફ્રી સબસ્ક્રિપ્શન યુઝરને અઠવાડિયે માત્ર ૫૦૦ એમબી વિડિયો અપલોડ કરવા દે છે. યુટયુબમાં આવી લિમિટ નથી. એડવાન્સ્ડ સપોર્ટના મામલે વિમિયો યુટયુબ કરતાં વધુ ફેસિલિટીઝ ધરાવે છે. યુટયુબમાં વિડિયો પહેલાં, વચ્ચે અને અંતમાં પણ ઢગલો એડ આવી શકે છે. વિમિયોમાં એડ નથી. દર્શક સીધો અને અસ્ખલિત વિડિયો માણી શકે છે. યુટયુબની વિડિયો પ્રાઇવસી અથવા ચુનંદા લોકોને જ વિડિયો જોવા દેવાની કરતાં વિમિયો આગળ છે. વિમિયોના વિડિયોને માત્ર ચોક્કસ વેબસાઇટ પર જોઈ શકાય એ રીતે સેટ કરી શકાય છે. યુટયુબમાં એ પોસિબલ નથી. ઓડિયો-વિડિયો ક્વોલિટીના મામલે પણ વિમિયો આગળ છે. યુટયુબ અને વિમિયો બેઉમાં અપલોડ કરેલો એક જ વિડિયો જુઓ તો ખ્યાલ આવશે કે વિમિયોમાં એના સ્ટ્રીમિંગની ક્વોલિટી બહેતર છે.
યુટયુબમાં અપલોડ થયા પછી વિડિયોમાં એડિચિંગ કે ચેન્જ શક્ય નથી. બહુબહુ તો વિડિયો ડિલિટ કરી શકાય. વિમિયોના વિડિયોમાં જરૂર પડયે વિડિયો બદલી શકાય અને છતાં, એનું ઇન્ટરનેટ એડ્રેસ એટલે કે યુઆરએલ બદલાતું નથી.
માઇનસ પોઇન્ટમાં વિમિયોના ફ્રી અકાઉન્ટમાં મર્યાદિત સગવડો છે. ગૂગલને લીધે યુટયુબના વિડિયો બેહદ સર્ચેબલ છે, એવું વિમિયોમાં મુકાતા વિડિયો માટે શક્ય નથી.