મોટા પડદે મોટ્ટી નામના ધરાવતા સિતારાઓને ઓટીટી સાથે પણ આત્મીયતા છે. બોક્સ ઓફિસ કલેક્શનની ચિંતા વિના તેઓ ઘરપડદે કસબ દાખવી શકે છે. આ વરસે પણ અમુક ટોપ સ્ટાર્સે એના પર આગમન કર્યું છે અને આગળ પણ કરવાના છે
ફિલ્મોમાં દબદબાભર્યું સ્થાન ધરાવતા સિતારાઓને ઓટીટી શું કામ આકર્ષી રહ્યું છે? ઘણાં કારણોસર. ઓટીટીના કામમાં બોક્સ ઓફિસની જરાય ચિંતા કરવાની નથી હોતી. પૈસા પણ બહુ તગડા મળે. દર્શકોને સ્ટાર્સ ઘરપડદે આવે ત્યારે થોડી અલગ તાલાવેલી અને ઉત્કંઠા રહે છે. ફિલ્મોમાં જે અખતરા શક્ય નથી હોતા એ બધા ઓટીટી પર શક્ય થાય છે. પાત્ર અને વાર્તાપ્રવાહ બેઉમાં એ શક્ય છે. ફિલ્મો કરતાં ઓટીટી પર વાર્તા કહેવાની જુદી રીત હોવાથી પણ જુદા પ્રકારનો અનુભવ મેકર્સ, સ્ટાર્સ અને દર્શકોને મળે છે. આ બધાનો તાળો મેળવીએ કે સ્પષ્ટ થઈ જાય છે કે બિગ સ્ટાર્સ ઓટીટી પર આવતા રહેશે. જેઓ આવી ગયા છે તેઓ પાછા આવશે અને જેઓ નથી આવ્યા એ પણ આવવા ઝંખતા હશે.
ઓટીટી પર આગમન કરવાની લાંબી કતારમાં કરીના કપૂર પણ હતાં. એમનો હાલમાં જ નંબર લાગ્યો. સુજોય ઘોષની ફિલ્મ ‘જાને જાં’ હાલમાં જ નેટફ્લિક્સ પર આવી. ‘દૃશ્યમ્’ જેવી ગાજેલી ફિલ્મ અને સુજોય ઘોષને સ્ટાર મેકર બનાવનારી ફિલ્મ ‘કહાની’ જેવા તરેહની એ ફિલ્મ છે. જોકે ઘોષે ૨૦૦૩માં કરીઅરની શરૂઆત ‘ઝંકાર બીટ્સ’થી કરી હતી અને એ પણ મસ્ત અને સફળ ફિલ્મ હતી. વિદ્યા બાલન સાથેની ‘કહાની’ એમને વધુ ફળી, બસ એટલું જ. ‘જાને જાં’માં કરીનાના ભાગે મિસીસ ડિસોઝાનું પાત્ર આવ્યું છે. વાર્તા કલીમપોંગમાં આકાર લે છે અને બહુધા માત્ર ત્રણ પાત્રો આસપાસ ફરે છે. બાકીનાં બે પાત્રોમાં ઓટીટી પર સ્ટાર્સ ગણાતા જયદીપ અહલાવત અને વિજય વર્મા છે. ત્રણેયનું કામ સરસ. ફિલ્મની ગતિ ધીમી અને કથાનક પણ એક મર્ડર આસપાસ ફરતું. કરીના માટે આ ફિલ્મ પરફેક્ટ ઓટીટી લાન્ચપેડ છે.
કરણ જોહરના પીઠબળ સાથે એક ફિલ્મ બની રહી છે, ‘અય વતન મેરે વતન’. એનું શૂટિંગ પતી ગયું છે. સારા અલી ખાન સાથે એમાં એલેક્સ ઓનેલ અને અભય વર્મા છે. ડિરેક્ટર કન્નન ઐયર છે. ફિલ્મની રિલીઝ આમ તો ઓગસ્ટ મહિનામાં નક્કી હતી. પછી ફિલ્મ પાછી ઠેલાઈ. સારા અલી ખાન બોલિવુડમાં આવી એને હજી માંડ પાંચેક વરસ થયાં. બધું મળીને એની દસેક ફિલ્મો આવી છે, જેમાંની ‘અતરંગી રે’ અને પહેલી ફિલ્મ ‘કેદારનાથ’ સૌથી નોંધપાત્ર હતી. સારાની કરીઅર ધીમી ગતિએ આગળ વધી રહી હોવા છતાં સ્ટાર્સની દીકરીના નાતે એનું ભવિષ્ય ઉજળું છે. ઓટીટી પરની પોતાની ફિલ્મમાં એના માટે બોક્સ ઓફિસના પ્રેશર વિના પોતાની ક્ષમતા સિદ્ધ કરવાનો સરસ મોકો છે.