ઓટીટી પ્લેટફોર્મ્સ સતત ગણાકાપ સ્પર્ધામાંથી પસાર થઈ રહ્યાં છે. ગમે તે ભોગે દર્શકોને જીતવા માટે તેમણે નાના પ્રકારના યત્નો કરવાના છે. ૨૦૨૩ અડધાથી વધુ પસાર થઈ ગયું છે ત્યારે એ જાણીએ કે કોણ કેટલા પાણીમાં છે
ઓટીટી પર આનંદ માણવા રિમોટ ઉઠાવ્યા લીધા પછી વ્યક્તિ કયા પ્લેટફોર્મ પર સૌથી પહેલાં પહોંચે છે એ અગત્યની બાબત છે. જે ઓટીટી પ્લેટફોર્મ મગજ પર છવાયેલું હોય એ અથવા જેના પર મનગમતો શો કે ફિલ્મ જોવાની તાલાવેલી થઈ રહી હોય એ તરફ વ્યક્તિ સૌપ્રથમ વળે છે. એ થઈ સામાન્ય માનસિકતા. એની સાથે અગત્યની બાબત છે કયું પ્લેટફોર્મ પોતાની બ્રાન્ડને મોટી કરવા સતત ધમપછાડા કરી રહ્યું છે. બ્રાન્ડિંગ, માર્કેટિંગ, ઓફર્સ વગેરે થકી પણ ઓટીટી પ્લેટફોર્મ પોતાની લીટી બીજા કરતાં લાંબી કરી શકે છે. આ બધું કરીને ૨૦૨૩માં એક અથવા બીજા રસ્તે કોણ, ક્યાં પહોંચ્યું છે એની વાત કરીએ.
જીઓ સિનેમાએ ક્રિકેટ અને ટેનિસની ટોપ ટુર્નામેન્ટ્સ ગજવે કરીને સ્પર્ધકોની ઊંઘ હરામ કરી છે. વળી, એમાંનું મોટા ભાગનું મફતમાં ઉપલબ્ધ હોવાથી અને જિયો મોબાઇલ આખા દેશમાં ઘર કરી ગયા હોવાથી એને એડવાન્ટેજ છે. પરિણામ એ છે કે હજી એક-દોઢ વરસ પહેલાં જેની કોઈ વિસાત નહોતી લેખાતી એવું આ પ્લેટફોર્મ અમુક પરિમાણોમાં દેશનું બીજા નંબરનું ઓટીટી પ્લેટફોર્મ બની ગયું છે. જિયોએ મફતમાં ફિલ્મો અને વેબ સિરીઝનો મારો પણ શરૂ કરી દીધો છે. ઉદ્દેશ એટલો કે જે દર્શકો આઈપીએલ વગેરેથી એની સાથે સંકળાયા એ પાછા ના ચાલ્યા જાય.
નવાઈની વાત એ પણ કે ક્રિકેટના રાઇટ્સ હાથમાંથી ચાલ્યા જવાને કારણે ડિઝની પ્લસ હોટસ્ટારને મોટો ફટકો પડવાની એક શક્યતા હતી. એવું થયું નથી. આ વરસે પણ એણે સારા શોઝથી પોતાની મહત્તા જાળવી રાખી છે. એના સૌથી વધુ જોવાયેલા શો (કે ફિલ્મો)માં ‘ધ નાઇટ મેનેજર’, ‘તાઝા ખબર’, ‘સાસ બહુ ઔર ફ્લેમિંગો’, ‘સિટી ઓફ ડ્રીમ્સ’, અને ‘પોપ કૌન’ આવે છે. એ અલગ વાત કે આ શોઝમાંથી બેમોઢે વખાણ કરવાં પડે એવો શો એક પણ નથી.
૨૦૨૩ના ફર્સ્ટ હાફના ટોપ શોઝમાં પ્રાઇમ વિડિયોના ‘ફર્ઝી’, ‘દહાડ’ અને ‘હેપી ફેમિલીઃ કંડિશન્સ અપ્લાય’ પણ આવે છે. ત્રણેય શો પ્રમાણમાં સારા છે. જોકે ‘ફર્ઝી’ માટે કહી શકાય કે જે ખાસિયતો એની પહેલાં આ પ્રકારના શોઝમાં આવી એનું એમાં પુનરાવર્તન થયું છે. શાહિદ કપૂર જેવા સ્ટારની હાજરી અને રાજ અને ડીકે જેવા મેકર્સનાં નામ સિરીઝ સાથે સંકળાયેલા હોવાથી દર્શકો એના તરફ ખેંચાયા. ડિટ્ટો એવું ‘દહાડ’ માટે કહી શકાય જેમાં સોનાક્ષી સિંહા છે. રહી વાત ‘હેપી ફેમિલી’ની, તો સાફસુથરા પારિવારિક શોઝની શ્રેણીમાં આવતો આ શો દર્શકોને આકર્ષે એ સ્વાભાવિક ગણાય.
મફતમાં ખાસ્સું મનોરંજન પીરસતું પ્લેટફોર્મ એમએક્સ પ્લેયર આ વરસે અત્યાર સુધીમાં ખાસ ઉકાળી શક્યું નથી. ‘આશ્રમ’ જેવી ગાજેલી સિરીઝે એને જે લીડ આપી હતી એ પાછી અંકે કરવા આ ઓટીટીએ ફરી એવું જ કંઈક પીરસવું પડશે. ‘આશ્રમ’ની નેક્સ્ટ સીઝન પણ એ કામ કરી શકે છે. દેશ અને દુનિયામાં એક સૌથી પાવરફુલ ગણાતું પ્લેટફોર્મ નેટફ્લિક્સ પણ વરસના પૂર્વાર્ધમાં એવો કોઈ શો કે ફિલ્મ આપી શક્યું નથી જેના માટે એ પોરસાઈ શકે.