ઝીફાઇવે હાલમાં એક નિર્ણય લીધો છે. એ છે એના ઓટીટી પ્લોટફોર્મ માટે ફિલ્મો, શોઝ વગેરેની ખરીદી કે એનું નિર્માણ કરતી વખતે વિચારપૂર્વક આગળ વધવાનો. કંપનીએ જણાવ્યું છે કે આ બધા માટે એ પહેલાં કરતાં ઓછો ખર્ચ કરશે. ઝીનો આ નિર્ણય માત્ર ઝી નહીં, આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સ કઈ દિશામાં વિચરણ કરવાનો મિજાજ અપનાવી શકે છે એનો અંદેશો પૂરો પાડે છે. એને કારણે ઓટીટીના વિશ્વ પર દેખીતી અસર પડવાની છે. અને પડવાની છે દર્શકો ઓટીટી પર શું મેળવશે છે એના પર.
ઝીના મત પ્રમાણે કંપની અત્યાર સુધી ઓટીટી પ્લેટફોર્મ માટે ઓરિજિનલ શો, ફિલ્મો વગેરે ખરીદતી વખતે આક્રમક વ્યુહ ધરાવતી હતી. હવે એવું નહી કરવામાં આવે. ‘યોગ્ય સમયે, યોગ્ય કિંમતે કોન્ટેન્ટ ખરીદશું’ એવા મતલબનો કંપનીનો વિચાર ઘણું કહી જાય છે. આપણાં ઓટીટી પ્લેટફોર્મ્સ આ મામલે વિચિત્ર વર્તતા રહ્યાં છે. એનું દેખીતું કારણ હતું. એક તો ઇન્ડસ્ટ્રી સાવ નવી હતી. કહો કે કોવિડકાળ પછી જ એનો ખરા અર્થમાં પુનર્જન્મ થયો અને એનું મહત્ત્વ વધ્યું. અન્યથા, 2019 સુધી આપણે ત્યાં ઘણાં ઓટીટી પ્લેટફોર્મ્સ હોવા છતાં, દર્શકોને અને ઘણા મેકર્સને એની ખાસ પડી નહોતી. ત્યાં સુધી મનોરંજનની દુનિયા પર ફિલ્મો અને ટેલીવિઝનની મુશ્કેરાટ પકડ હતી. ઓટીટી પ્લેટફોર્મ્સ ત્યાં સુધી મનોરંજન પીરસતાં તો હતાં પણ આવક માટે જાહેરાત અને સબસ્ક્રિપ્શન બેઉ મોરચે ખાસ ધડાં નહોતાં. વળી, અનેક પ્લેટફોર્મ્સ તો ત્રણ અક્ષર એટલે મફતમાં મોજ કરાવીને દર્શકોને અંકે કરવા ધમપછાડા કરી રહ્યાં હતાં. એમાં એમએક્સ પ્લેયર, ઝીફાઇવ, સોની લિવ, ડિઝની પ્લસ હોટસ્ટાર વગેરે પણ સામેલ હતાં. આજે પણ આ પ્લેટફોર્મ્સ પર મનોરંજનનો તગડો રસથાળ વગર કોઈ ફી ચૂકવ્યે માણી શકાય છે. એમાં ઉમેરી દો ટીવીએફ પ્લે, ક્રન્ચીરોલ, ટ્યુબી ટીવી, ગોકુ ટીવી જેવી વેબસાઇટ્સ (એટલે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પણ ઓટીટી પ્લેટફોર્મ વિના) જે આવી જ રીતે ખાસ્સું મનોરંજન મફતમાં પીરસે છે. સરવાળે, દર્શક પાસે ઇન્ટરનેટ કનેક્શન હોય, સ્ક્રીન હોય એટલે બસ. એ વગર પૈસે ઘણું બધું માણી શકે અને એ પણ પોતાની મુનસફી મુજબ.
હવે ઓટીટી ઇન્ડસ્ટ્રી ખાસ્સી વિકસિત થઈ ચૂકી છે. અગ્રણી પ્લેટફોર્મ્સ સારામાં સારાં શોઝ અને ફિલ્મ્સ જાતે બનાવવા કે એના અધિકાર હસ્તગત કરવા ઓટીટી પ્લેટફોર્મ્સ કરોડો ખર્ચે છે. નેટફ્લિક્સ સંજય લીલા ભણસાલી જેવા ઉમદા સર્જકને સિરીઝ બનાવવા બસો કરોડ આપી શકે છે. જિયો સિનેમા આઈપીએલના પાંચ વરસના ડિજિટલ અધિકારો માટે અધધધ એટલે ઓલમોસ્ટ રૂ. 24,000 કરોડ ચૂકવી શકે છે. ટીવીના અધિકારો માટે ડિઝની સ્ટારે ખર્ચેલી રકમ, રિલાયન્સે ડિજિટલ અધિકારો માટે ખર્ચેલી રકમ કરતાં થોડીક (એ થોડીક એટલે પણ રૂ. 183 કરોડ હોં) ઓછી હતી. આખા ભારતમાં આવડી અધધ અસ્ક્યામતો ધરાવતી કંપનીઓ મર્યાદિત છે. રિલાયન્સે તો આટલી રકમ એક સ્પોર્ટ્સ લીગના પાંચ વરસના ડિજિટલ અધિકારો માટે ખર્ચી નાખી! આ વાત એ સમજવા પૂરતી છે કે ભારતમાં ડિજિટલ મનોરંજનનું વિશ્વ આગળ જતા કેવો વિરાટ રાક્ષસ બનવાની ઉજળી સંભાવના ધરાવે છે.