ઘણી ફિલ્મોમાં એક કિસ્સો કે વિચાર કેન્દ્રસ્થાને હોય અને એની આસપાસ જ વાર્તાનું ઘડતર થાય છે. આવી અનેક ફિલ્મો આવી છે અને આવશે પણ. હાલમાં ઓટીટી પર આ પ્રકારની બે ફિલ્મો આવી છે
ફિલ્મ અને ચ્યુઇંગ ગમ ક્યારેક સરખાં હોય છે. વાત નાની હોય અને એના પરથી સવિસ્તર કથા પડદા પર સાકાર થતી હોય છે. મેકિંગ કમાલ હોય, લખાણ જકડી રાખનારું હોય અને કલાકારોનો અભિનય ઉત્કૃષ્ટ હોય ત્યારે આવી ફિલ્મ હૈયે જડાઈ જાય છે.
હાલમાં બે ફિલ્મો કંઈક આવી રીતે આકાર પામી છે. એક સીધી ઓટીટી પર આવી છે તો બીજી, મોટા પડદે સફળતાના ઝંડા લહેરાવીને. એક હિન્દી તો બીજી મલયાલમ છે પણ હિન્દીમાં એની ડબ્ડ વર્ઝન જોઈ શકાય છે. વાત કરીએ રાજપાલ યાદવ અભિનિત ‘કામ ચાલુ હૈ’ અને ઘણા કલાકારો ધરાવતી ‘મંજુમેલ બોયઝ’ની.
ઝીફાઇવ પર સ્ટ્રીમ થઈ રહેલી ‘કામ ચાલુ હૈ’ વાસ્તવિક ઘટના અને એની સાથે સંકળાયેલા માણસ નામે મનોજ પાટીલની વાત છે. રાજપાલ બન્યો છે મનોજ. ડિરેક્ટર પલાશ મુછાલ છે, જે બેસિકલી સંગીતકાર છે. એની બહેન પલક મુછાલ પણ જાણીતી ગાયિકા-ગીતકાર છે. ‘કામ ચાલુ હે’ પહેલાં પલાશ-રાજપાલની જોડી 2022માં ‘અર્ધ’ નામની ફિલ્મ આપી ચૂકી છે.
કથા એવી છે કે મનોજ મહારાષ્ટ્રના સાંગલીનો વતની છે. પત્ની રાધા (જિયા માણેક) અને આંખોના તારા જેવી દીકરી ગર્વિતા ઉર્ફે ગુડિયા (કુરંગી નાગરાજ) સાથે એનું મધ્યમવર્ગીય જીવન સુખે વહી રહ્યું છે. દીકરી ઉત્તમ ક્રિકેટ રમે છે. મનોજ એને જિલ્લા અને છેવટે દેશ માટે રમતી જોવા આતુર છે. એ માટે શાળાકીય અભ્યાસ સાથે એ ગુડિયાને ક્રિકેટનું કોચિંગ અપાવી રહ્યો છે. એકવાર બાપ-દીકરી મનોજની વારંવાર ખોટકાતી બાઇક પર ઘર આવી રહ્યાં છે. આપણે ત્યાં અત્રતત્રસર્વત્ર હોય એવો એક ખાડો રસ્તામાં આવે છે અકસ્માત થાય છે. એમાં ગુડિયાનું અવસાન થાય છે. મનોજ-રાધાનું જીવન રસાતળ થઈ જાય છે. મનોજ ગાંડા જેવો થઈ જાય છે. એ ઠરાવે છે એ રસ્તા પર ખાડો જેના કારણે થયો એ વ્યક્તિને સજા અપાવવી. એવું થતું તો નથી પણ મનોજનું જીવન સમર્પિત થઈ જાય છે રસ્તાના ખાડા પૂરી દેવાના અભિયાનને. આજ સુધી મનોજ પાટીલ આ કાર્ય નિરંતર કરી રહ્યો છે.