2023નું વરસ પૂરું થવાને છે. ઢગલાબંધ વેબ સિરીઝ દર્શકો સામે એણે મૂકી. ફિલ્મો પણ. વરસનું વિહંગાવલોકન કરવાનો સમય આવ્યો છે ત્યારે બે તબક્કે વાત કરીએ. આજે કરીએ વેબ સિરીઝની વાત. કોણ ચમકી અને કોણ મોળી પડી એની વાત.
વરસ દરમિયાન આવેલી સિરીઝમાંથી જેણે દર્શકોને જીત્યા એમાં હંસલ મહેતાની સ્કૂપ અને ‘સ્કેમ 2003’ ટોપ પર છે. ગયા વરસે રાજ અને ડી.કે.એ દર્શકોને મોહી લીધા હતા આ વરસે મહેતાસાહેબે. ‘સ્કેમ 2003’માં વાત સ્ટેમ્પ પેપર કૌભાંડના કિંગ તેલગીની છે. હર્ષદ મહેતાના શેર બજાર કૌભાંડવાળી ઓરિજિનલ સિરીઝની આમ એ સિક્વલ પણ સાવ સ્વતંત્ર અને વેગળી વાર્તાવાળી. ગગન દેવ રિયાર નામના અભિનેતાને આ સિરીઝે પ્રથમ પંક્તિના કલાકારમાં સ્થાન અપાવ્યું. દસ એપિસોડવાળી સિરીઝ સોની લિવ પર જોઈ શકાય છે. છે એ લાંબી અને ક્યાંક ક્યાંક કંટાળાજનક પણ. છતાં, વિષયની મૌલિકતા અને મેકરની કલ્પનાશીલતા એના પ્લસ પોઇન્ટ છે.
‘સ્કૂપ’ને ખાસ્સા એવોર્ડ્સ મળ્યા છે. કરિશ્મા તન્ના એમાં પત્રકાર જાગૃતિ પાઠકનું પાત્ર ભજવે છે. પત્રકારત્વ આસપાસ ફરતી આ સિરીઝ પહેલાં ગયા વરસે ‘ધ બ્રોકન ન્યુઝ’ સિરીઝ ઝીફાઇવ પર આવી હતી. વાસ્તવિક ઘટના પર આધારિત આ સિરીઝમાં છ એપિસોડ્સ છે. વરસની અન્ય સિરીઝની સરખામણીમાં એ બેશક વધુ મનોરંજક છે.
સ્પેનિશ વેબ સિરીઝ ‘એલિટ’ પર આધારિત આઠ એપિસોડવાળી ‘ક્લાસ’ વરસની શરૂઆતમાં આવી હતી. દિલ્હીની પોશ સ્કૂલમાં ભણતા શ્રીમંત નબીરાઓ વચ્ચે સાધારણ પરિવારના વિદ્યાર્થીઓ ભણવા પહોંચે પછી શું થાય એની એમાં વાર્તા છે. સફળ અને ગાજેલી સિરીઝનો પાયો મળવા છતાં ‘ક્લાસ’ કોઈ એન્ગલથી ક્લાસિક સિરીઝ નથી બની.
શાહિદ કપૂરને લીડમાં ચમકાવતી, રાજ અને ડી.કેની સિરીઝ ‘ફર્ઝી’ પણ વરસની શરૂઆતમાં આવી. એ સફળ રહી એમ કહીએ તો પણ એટલું નક્કી કે ‘ધ ફેમિલી મેન’ સામે એ ફીકી છે. આ સર્જકોની આ વરસની વધુ એક સિરીઝ ‘ગન્સ એન્ડ ગુલાબ’ તો ‘ફર્ઝી’ કરતાં નબળી રહી. એમાં રાજકુમાર રાવ જેવા પ્રતિભાશાળી અભિનેતાની હાજરીથી પણ કોઈ જાદુ સર્જાયો નહીં.
અર્શદ વારસીને ચમકાવતી ‘અસુર’ સિરીઝની નવી સીઝન જૂનમાં આવી હતી. પહેલી સીઝને ખાસ્સી ચર્ચા જગાડી હતી. બીજી સીઝન ‘ધ રાઇઝ ઓફ ધ ડાર્ક સાઇડ’ ઘણાને ગમી છતાં, એમાં એવો મેજિક નથી જેવો પહેલી સીઝનમાં હતો.
સોશિયલ ઇન્ફ્લુએન્ઝર ટર્ન્ડ એક્ટર ભુવન બામે જાન્યુઆરીમાં છ એપિસોડની સિરીઝ ‘તાઝા ખબર’ સાથે અભિનયના મોરચે મોટી છલાંગ મારી હતી. સિરીઝનો વિષય મજેદાર પણ એ બની છે ખૂબ સાધારણ.
ફેબ્રુઆરી અને જૂનમાં બે તબક્કે રિલીઝ થયેલી ‘ધ નાઇટ મેનેજરે’ પણ ખાસ્સી ઉત્કંઠા જગાડી હતી. એ હતી એક ઇંગ્લિશ સિરીઝનું હિન્દી સંસ્કરણ. અનિલ કપૂર, આદિત્ય રોય કપૂર, શોભિતા ધૂલીપાલા સહિતનાં સિતારાઓ છતાં એનાં ગાજ્યાં મેહ વરસ્યાં નહી.
વિષયની દ્રષ્ટિએ જુદી અને સારી રીતે નિર્મિત ‘ધ રેલવેમેન’ ગયા મહિને આવી. યશરાજના બેનર વાયઆરએફ એન્ટરટેઇનમેન્ટની ચાર એપિસોડવાળી આ સિરીઝમાં આર. માધવન, કે. કે. મેનન, દિવ્યેન્દુ, બાબિલ ખાન વગેરે છે. ભોપાલ ગેસ ગુર્ઘટના પર આધારિત આ સિરીઝ દર્શકોને ગમી છે.
મોના સિંઘ, આશુતોષ ગોવારિકર, અમેય વાઘ, વિકાસ કુમાર વગેરે કલાકારોવાળી ‘કાલા પાની’ સિરીઝ ઓક્ટોબરમાં આવી. આંદામાન અને નિકોબાર ટાપુઓ પર અકળ બીમારી ત્રાટક્યા પછી જીવ બચાવવા સંઘર્ષરત પાત્રોની એમાં વાત છે. સાત એપિસોડવાળી આ સિરીઝે પણ ઉત્કંઠા જગાડ્યા પછી દર્શકોનાં દિલ ધાર્યાં પ્રમાણે જીત્યાં નથી.