જેકી શ્રોફ અને નીના ગુપ્તા ચેમ્પિયન કલાકારો છે. બેઉએ ઇન્ડસ્ટ્રીમાં 1982માં પદાર્પણ કર્યું એ યોગાનુયોગ છે. બેઉને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મ ‘મસ્ત મેં રહને કા’ એમેઝોન પ્રાઇમ પર આવી છે. એની અને પછી, મહિલા બાઇકર્સના નોખા વિષયની, તાપસી પન્નુ જેનાથી નિર્માત્રી બની એવી ‘ધક ધક’ નામની ફિલ્મની વાત કરીએ.
‘મસ્ત મેં…’ વાત છે વી. એસ. કામત (જેકી) અને પ્રકાશ કૌર હાંડા (નીના)ની. વૃદ્ધ, એકલવાયા કામતને મિત્રો નથી. એની દિનચર્યા નીરસ છે. સ્ત્રી સાથે એક વાક્ય બોલ્યે એને દાયકાથી વધુ સમય થયો છે. રોજ સવારે ગાર્ડન જવું, દરિયે બેસવું, રાત પડ્યે દારૂ ઢીંચવો અને સ્ટ્રીટ ફૂડ ઠૂસીને લુઢકી જવું એ એની લાઇફ છે.
કથામાં બીજી તરફ ટેલર નન્હે (અભિષેક ચૌહાણ) છે. એની પરિચિત, બોલિવુડ ડાન્સર બિમલા ઉર્ફે બિલ્કીસ (રાખી સાવંત) એને કોસ્ચ્યુમસનો ઓર્ડર આપીને થાળે પડવાની તક આપે છે. મુંબઈમાં ટકી રહેવાના ફાંફા વચ્ચે નન્હે માટે એ ઓર્ડર બને છે તારણહાર. ટેલરિંગ સાથે એ એવાં દરેક કામ કરે છે જેનાથી બે પૈસા રળી શકાય. એમાં ચોરી કરવાનો અખતરો પણ સામેલ છે. એની પાટે ચડતી જિંદગીમાં ઝટકો ત્યારે આવે છે જ્યારે એને મળે છે મુંબઈને ઘોળીને પી ગયેલી રાની (મોનિકા પનવર).