નવા વરસની શરૂઆતમાં આવી સારી સિરીઝ આવે એ ઓટીટી માટે સારા સંકેત છે. પાંચ વરસેય ભલે પણ જયદીપ અહલાવતને કેન્દ્રવર્તી પાત્રમાં ચમકાવતી સિરીઝે આવીને રંગ રાખ્યો છે
“રહને દીજિયે સર, યે પાતાલ લોક હૈ…”
“અગર યે પાતાલ લોક હૈ તો મૈં ઉસકા પરમાનન્ટ રેસિડન્સ હૂં…”
દિલ્હીના જમના પાર પોલીસ સ્ટેશનનો ઇન્સ્પેક્ટર હાથીરામ ચૌધરી (જયદીપ અહલાવત) નાગાલેન્ડના દિમાપુરમાં આવું કહીને હોસ્પિટલ બહાર એકઠી થયેલા, ઉશ્કેરાયલા ટોળા વચ્ચે ધસી જાય છે. એની આ ભૂલ એનો જીવ લઈ શકે છે. પણ પોતાના જીવ કરતાં હાથીરામને વધુ ચિંતા અંદર જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહેલી સ્ત્રીની છે. આ જે ટોળું ઉશ્કેરાયલું છે એ પેલીને પતાવી નાખવાને જ. હાથીરામ જાણે છે કે ટોળું જો સ્ત્રીને પતાવી નાખશે તો જે મૃત નેતાની હત્યાની ખુન્નસમાં એકઠું થયેલું ટોળું બધાંનું નુકસાન કરી બસશે. અને…
2020માં ‘પાતાલ લોક’ સીઝન વન આવી હતી ત્યારે સૌને નવરા પડવાની ફરજ પડી હતી. કોવિડિયા લોકડાઉનમાં લોકોએ ઓટીટી પર આવતું આ, તે, ફલાણું. ઢીંકણું, જે મળ્યું તે ભરપૂર જોયું હતું. એ પ્રવાહમાં અલગ તરી આવીને લોકો પર સજ્જડ છાપ છોડી જનારી એક સિરીઝ આ હતી. ભલે સિરીઝ પહેલાં જયદીપ અહલાવતને ભાગ્યે જ કોઈ ઓળખતું હતું. સિરીઝના નવ એપિસોડ એવા જડબેસલાક મનોરંજક અને વિચારોત્તેજક હતા કે ના પૂછો વાત.
એ સમયે દિલ્હીના ક્રાઇમ વિશ્વને આવરી લેતી અન્ય સિરીઝ પણ આવી હતી. એમની વચ્ચે પણ ‘પાતાલ લોક’ નોખી તરી આવી હતી. આવી સિરીઝની નવી સીઝન આવે ત્યારે અપેક્ષાઓનો મહાસાગર ઉમટે એ સ્વાભાવિક છે. થેન્કફુલી, નવી સીઝન લગભગ બધા મામલે પહેલી સીઝનના ઠસ્સાને અકબંધ રાખીને દર્શકોને રીઝવવામાં સફળ રહે છે. શું છે નવી સીઝનમાં?
શું નથી એની વાત પહેલાં કરીએ. આ સીઝનમાં આઉટર જમના પાર્ક, દિલ્હીના ક્રાઇમનો ગંદવાડ, ઘણાં નોંધનીય પાત્રો, લાઇક, સંજીવ અને ડોલી મહેરા, વિશાલ ત્યાગી ઉર્ફે હથોડા વગેરે નથી. એક્ચ્યુલી વાર્તા જ એ નથી જે ગયા વખતે હતી. આ વખતે વાર્તા છે દિલ્હીમાં થતા નાગાલેન્ડના નેતા જોનાથન થોમ (કાગુઇરોન્ગ ગોન્મેઈ)ની હત્યા અને એનાથી સર્જાતાં વમળોની. એ હત્યાની તપાસની અને તપાસ દરમિયાન, હાથીરામ અને એના જુનિયરમાંથી ઉપરી-એસીપી થઈ ગયેલા ઇમરાન અન્સારી (ઇશ્વાક સિંઘ)ના ઇન્વેસ્ટિગેશનની. દિલ્હીમાં એક વેપારી સંમેલન થવાનું હોય છે. એની સફળતા નાગાલેન્ડમાં હજારો કરોડોનું વેપારી રોકાણ કરાવે એમ છે. એમાં થોમની હાજરી અનિવાર્ય જેવી છે. પણ સંમેલન પહેલાં દિલ્હીના નાગાલેન્ડ ભવનમાં એની હત્યા થઈ જાય છે. સંવેદનશીલ એવા આ મામલાની તપાસ અન્સારીને સોંપાય છે. એ પોતાના ઉપરની આનાકાની છતાં હાથીરામને સાથી બનાવીને ઉપડે છે દિમાપુર, નાગાલેન્ડ. ત્યાં એમની સહાયમાં છે સ્થાનિક અધિકારી મેઘના બરુઆ (તિલોતમા શોમ).
આપણી સમક્ષ એક સાવ નવું લોકેશન વિશ્વ, સંસ્કૃતિ વિશ્વ, કલાકાર વિશ્વ લઈને ઉભરતી ‘પાતાલ લોક’ની આ સીઝન છે. એમાં ઝળકતા કેટલાય કલાકારો આપણા માટે નમ, ચહેરા અને કામથી સાવ નવા છે. એમાં દેખાતાં સ્થળો આપણે પડદે ભાગ્યે જ જોયા છે. હિન્દી ઉપરાંત એમાં ભરપૂર બોલાતી નાગામીઝ ભાષા આપણા કર્ણપટલ પર સાવ નવો રણકાર ઝંકૃત કરે છે. માત્ર મનોરંજન નહીં, આ સીઝન આપણી સમઝ આપણા જ દેશની એવી બાબતોનો ખજાનો ખોલે છે જે આનંદ, ઉત્તેજના, આશ્ચર્ય, બધું કરાવે છે. આઠ એપિસોડ્સની સીઝન પહેલી સીઝનની જેમ જ ઠહરાવ, ખાલીપો, તંગદિલી સહિત, હાથીરામના પરિવારના ટ્રેક થકી, સામાજિક એન્ગલથી દર્શકને સતત સંકળાયેલા રાખે છે. સિરીઝના અંતે થોમની હત્યાનો મામલો ઉકેલાય છે કેમ એ જોવા સુધીની તાલાવેલી સતત અકબંધ રહે છે એનું કારણ સુંદર મેકિંગ છે, અવવ્લ પરફોર્મન્સીસ છે. ક્લાઇમેક્સ સિક્વન્સમાં આવતું સંગીત પણ અત્યંત અસરકારક છે.
‘પાતાલ લોક’ના કેન્દ્રસ્થાને હાથીરામ છે અને એ એનો પ્રાણ પણ છે. એટલી જ સારી રીતે ઇશ્વાક સિંઘ, તિલોતમા શોમ સીઝનને વજનદાર રાખવા એકદમ સહજ છે. એ તરફના કલાકારોમાં કાગુઇરોન્ગ ગોન્મેઈ, રોઝ લિઝો તરીકે મેરેન્લા ઇમસોન્ગ, ડેનિયલ તરીકે પ્રશાંત તમાંગ, એસ્થર શિપોંગ તરીકે મેન્ગુ સ્યોખીર કમાલનાં છે. ગુડ્ડુના મહત્ત્વના પાત્રમાં રોકિબલ હોસેન પણ નોંધનીય છે. અને હા, ડિરેક્ટર ટર્ન્ડ એક્ટર નાગેશ કુકુનૂર કપિલ રેડ્ડીના પાત્રમાં જામે છે. હાથીરામની પત્ની રેણુ તરીકે ગુલ પનાગ પણ પોતના ભાગે આવેલા મોરચાને બરાબર ન્યાય આપે છે.
ક્રાઇમ સિરીઝને ન્યાય આપે એવા ઘેરા રંગો ‘પાતાલ લોક’ની પહેલી સીઝનમાં પણ હતા અને આ સીઝનમાં પણ છે. કથાનકમાં એનાથી ચોક્કસ અસર ઊભી થાય છે. બિનજરૂરી અને ખાસ તો લાઉડ સંગીત વિનાનો કથાપ્રવાહ પોતાની ખાસિયત ધરાવે છે. અવિનાશ અરુણ અને પ્રોસિત રોય સીઝનના ડિરેક્ટર છે.
પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયેલી ‘પાતાલ લોક’ સીઝન ટુ એ લોકો માટે છે જેઓ ગુણવત્તાવાળી સિરીઝ માણવા ચાહે છે. સિરીઝમાં ખૂનામરકી અને ગાળાગાળી છે એ પણ નોંધજો. એટલા માટે કે કોની સાથે બેસીને એ જોવી એ પહેલેથી વિચારી શકાય.
નવું શું છે
- મિસ્ટ્રી, ડ્રામા, એકશન, થ્રિલર વેબસિરીઝ ‘નાઇટ એજન્ટ સીઝન’ બે ગઇકાલથી નેટફિલ્કસ પર આવી છે. આ સીઝનમાં કુલ દસ એપિસોડ છે. આ સિરીઝમાં ગેબ્રિયલ બાસો, લુસિયાન બુકાનન, કારી મેચેટ, બ્રિટ્ટેની સ્નો, અમાન્ડા વોરેન, એરિયન મેન્ડી, લુઇસ હર્થમ, માઈકલ માલાર્કી છે.
- આર માધવનની ફિલ્મ ‘હિસાબ બરાબર’ આજથી ઝી ફાઇવ હિન્દી, તમિલ અને તેલુગુમાં આવી છે. આર માધવન સાથે આ ફિલ્મમાં નીલ નીતિન મુકેશ, રશ્મિ દેસાઈ, કીર્તિ કુલ્હારી, ઈમરાન હસાન અને મહેન્દ્ર રાજપૂત જેવા કલાકારો છે.
- મિથિલા પાલકર અને અમોલ પરાશર અભિનીત ‘સ્વીટ ડ્રીમ્સ’ સીરીઝ આજથી ડિઝની પ્લસ હોટસ્ટાર સ્ટ્રીમ થઈ છે.
- ડિરેકટર લી દો-યૂનની વેબ નવલકથા ટ્રોમા સેન્ટર: ગોલ્ડન અવર પર આધારિત કોરિયન ટેલિવિઝન ડ્રામા સિરીઝ ‘ધ ટ્રોમા કોડ: હીરોઝ ઓન કોલ’ આજથી નેટફિલ્કસ પર જોવા મળશે. જેમાં જુ જી-હૂન, ચૂ યંગ-વૂ, હા યંગ, યૂન ક્યુંગ-હો અને જંગ જે-ક્વાંગ અભિનય કરતા જોવા મળશે.
- ‘હાર્લેમ’ની ત્રીજી અને છેલ્લી સીઝન પ્રાઇમ વીડિયો પર ગઈકાલે રિલીઝ થઈ ગઈ છે. આ સિરીઝમાં મુખ્ય કલાકારો શોનિક્વા શાંડાઈ, ગ્રેસ બાયર્સ, મેગન ગુડ અને જેરી જોહ્ન્સન સહિત મુખ્ય કલાકારો અંતિમ સીઝનમાં પરત દેખાશે.
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/24-01-2025/6