છેલ્લાં ત્રણ વરસમાં કેટલી ફિલ્મો સીધી ઓટીટી પર આવી હશે? આવી ફિલ્મોની સંખ્યા ખાસ્સી છે. એમાંની અનેક એકદમ વાહિયાત હોવા છતાં એમને જોનારાની સંખ્યા લાખો-કરોડોમાં છે. એવા લોકોમાં સામેલ થવાથી બચવું બેહદ અગત્યનું છે
‘સરદાર કા ગ્રાન્ડસન’, ‘કઠહલ’, ‘રૂહી’, ‘વર્જિન ભાનુપ્રિયા’, ‘દુર્ગામતી’, ‘ખાલીપીલી’, ‘સેલ્ફી’, ‘ગેસલાઇટ’, ‘મિસીસ અંડરકવર’, ‘મુંબઈકર’, ‘બ્લડી ડેડી’, ‘ટિકુ વેડ્સ શેરૂ’ અને હા, ‘તરલા’.
શક્ય છે આમાંનાં અમુક નામથી તમારા મનમાં કોઈ ઘંટડી વાગી હશે. શક્ય છેે આ નામોમાં જો બીજાં એક-બે ડઝન નામ ઉમેરવમાં આવે તો ઘંટડી વાગવાની માત્રા હમણાં હશે એના કરતાં ખાસ્સી ઓછી થઈ જશે. એ પણ શક્ય છે કે કોઈક બડભાગી એવા પણ હશે જેમની સાવ એટલે સાવ ઘંટડી વાગી ના હોય અને માથું ખંજવાળતા તેઓ પૂછવા માગતા હશેઃ અરે શું છે આ બધાં નામ?
આ બધાં નામ એવી ફિલ્મોનાં છે જે ક્યારેય મોટા પડદે પહોંચી નથી. આ ફિલ્મો સીધી ઊતરી આવી છે આપણા ડ્રોઇંગ રૂમમાં. આપણા મોબાઇલ પર અને સ્માર્ટ ટીવી પર. ફિલ્મ આમ તો મોટા પડદા માટે જ બને એવું કાયમનું ચલણ રહ્યું છે. 2020થી એ ચલણ બદલાયું. ફિલ્મોનું ડિ-બિગ સ્ક્રીનફાઇઝેશન થયું અને એવી પણ ફિલ્મો બનવા માંડી જે સીધી ઓટીટી પર આવે. ઘણી એવી પણ ખરી જેમને મોટા પડદા માટે બનાવવાની શરૂઆત થઈ પણ છેવટે એમનું પડીકું વીંટીને સીધ્ધો ઘા કરવામાં આવ્યો ઓટીટી તરફ, “લેતા જાવ.”
સીધી ઓટીટી પર આવેલી અમુક ફિલ્મો ખરેખર સારી છે પણ, સરેરાશ જુઓ તો ડાયરેક્ટ ટુ ઓટીટી ફિલ્મોની ગુણવત્તા નબળી રહી છે. એટલે જ વિચાર આવે કે આ ઇન્ડસ્ટ્રીવાળા ભેગા થઈને ઓટીટી પ્લેટફોર્મ્સને નબળી ફિલ્મોનું ડમ્પિંગ ગ્રાઉન્ડ બનાવવાની તજવીજમાં તો નથીને? હદ એ છે કે આમાંની ઘણી ફિલ્મો એ માંધાતાઓની છે જેમના નામ અને કામ પર મુસ્તાકી સાથે ભરોસો કરનારા, એમની ફિલ્મ આવતાવેંત જોવા માટે ઘાંઘા થઈ જનારા લોકોની કમી નથી. એટલે વળી એવો પણ વિચાર આવે કે આ આવડા સમજદાર, અનુભવી, ક્રિએટિવ અને પોતાની ઇમેજ વિશે સતર્ક લોકો પણ કેમ આવું રાયતું ફેલાવી બેસતા હશે?
આ રાયતું ફેલાવા પાછળ કારણો છે. અમુક એવાં જે બોલિવુડિયા દૂષણથી ઓટીટી સુધી પહોંચ્યાં છે. દાખલા તરીકે સેટ-અપ બનાવીને, ચાંદ-તારા દેખાડીને ફટાફટ કંઈક બનાવી નાખવાનું અને એમ કરતા પૈસા લગાડનાર અને દર્શક બેઉને બનાવી નાખવાના. આને સરળ શબ્દોમાં સમજીએ. ફિલ્મી દુનિયામાં એકમેક સાથે પ્રગાઢ સંબંધ ધરાવનારા અને એમાં ફાઇનાન્સર તરીકે નાણાં રોકીને કમાઈ લેવાની જેમને તાલાવેલી હોય એવા, બેઉ પ્રકારના લોકો છે. જે પૈસા લગાડવા ઘાંઘા હોય તેઓ ગ્લેમરની દુનિયાની ઝાકઝમાળથી અંજાયેલા હોય. આવા લોકો નાણાંની કોથળી છુટ્ટી મૂકે કે એમને એકાદ ફિલ્મ પકડાવી દેનારા ઘણા ઊભા થઈ જાય. આવા લોકો માટે ફટાફટ બધું ઊભું કરી નાખવામાં આવે, ફિલ્મ બનાવી નાખવામાં આવે અને પધરાવી દેવામાં આવે. આવું કરવામાં ફિલ્મ સાથે સંકળાયેલા કલાકાર-કસબીઓ બધા કમાણી કરે પણ મરો થાય ફાઇનાન્સરનો. મોટા પડદા માટે પણ આ ચાલાકી અજમાવતા અસંખ્ય ફિલ્મો બનતી રહી છે અને બનતી રહેવાની છે. એ ચાલાકી ઓટીટી પર આવી ચૂકી છે.