ગયા વખતે આપણે વાત કરી હતી રાષ્ટ્રીય પુરસ્કાર જીતનારી ફિલ્મોની અને એમને ઓટીટી પર ક્યાં માણી શકાય એની. આ વખતે એની થોડી વધુ ચર્ચા કરીએ. જાણીએ બીજી પણ એવી ફિલ્મો વિશે જેની સરાહના થઈ છે અને જે ઓટીટી પર જોઈ શકાય છે
દેશની ફિલ્મોને અપાતા રાષ્ટ્રીય પુરસ્કારના મામલે એક વાત સારી છે. એમાં કોઈ એક ભાષાને પ્રાધાન્ય અપાતું નથી. તમામ ભાષાઓને એકસમાન ધોરણે મહત્ત્વ મળે છે. બીજું કે ખાનગી એવોર્ડ્સની તુલનામાં આ એવોર્ડ્સ વિશે ઓછા વિવાદો થાય છે. સરકારી સંચાલન હોવાથી કોઈ કહી શકે કે એમાં ઘાલમેલ થતી હશે, પણ વરસોની લાંબી યાદી જુઓ તો એ ખ્યાલ પણ આવે છે કે બહુધા આ એવોર્ડ્સ યોગ્ય ફિલ્મોને મળ્યા છે. ગયા વખતે આપણે ‘હેલ્લારો’, ‘મિર્ઝા ગાલિબ’, ‘દો આંખેં બારહ હાથ’, ‘અનુરાધા’, ‘શહર ઔર સપના’, ‘તીસરી કસમ’, ‘ભુવન શોમ’, ‘મૃગયા’ની વાત કરી હતી. આ ફિલ્મો આજે પણ દર્શકોના માનસપટ પર છે. એમાંની ઘણી આજે પણ માણવા જેવી છે. સમયના પ્રવાહમાં પણ એમની મનોરંજક કે સામાજિક સંદેશ આપવાની ગુણવત્તા ખાસ્સી ટકી રહી છે.
આજે વાત કરીએ એવી બીજી થોડી ફિલ્મોની જેમણે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે.
શ્વાસઃ ૨૦૦૩માં આવેલી આ મરાઠી ફિલ્મ જો ના જોઈ હોય તો અવશ્ય જોજો. એના ડિરેક્ટર અરુણ નલાવડે છે, જેઓ દિગ્દર્શક બન્યા તે પહેલાં મુંબઈની બેસ્ટ બસનું સંચાલન કરતા ઉપક્રમમાં નોકરી કરતા હતા. ‘શ્વાસ’ એમની પહેલી ફિલ્મ હતી અને અત્યંત સફળ હતી. ફિલ્મ બનાવવા પૈસા નહોતા છતાં એમણે સાહસ ખેડયું હતું. નિર્માણ માટે અનેક જણનો સાથ મેળવીને તેમણે પડદા પર સરસ વાર્તા કહેવાનું સ્વપ્ન સાકાર કર્યું હતું. વાર્તા એવી છે કે એક દાદા પોતાના ગામથી દીકરાને મુંબઈ લાવે છે અને તેઓ પૌત્રની આંખનો ઇલાજ કરાવવા માગે છે. વાર્તા હૃદયસ્પર્શી છે અને મનોરંજક પણ. ફિલ્મ પ્રાઇમ વિડીયો પર ઉપલબ્ધ છે.
પેજ થ્રીઃ દિગ્દર્શક મધુર ભંડારકરનો સર્જનાત્મક સૂર્ય મધ્યાહને તપતો હતો ત્યારે, ૨૦૦૪માં, આવી હતી આ ફિલ્મ. આજે પણ એને માણો તો ખ્યાલ આવે કે એ કેટલી સરસ હતી. મુંબઈ આવેલી નવોદિત પત્રકાર માધવીને સેલિબ્રિટીઝના રિપોટગની જવાબદારી મળે પછી શું થાય એની વાર્તા છે. ફિલ્મની ટ્રીટમેન્ટથી લઈને કલાકારોનો અભિનય અને અન્ય પાસાં પણ દમદાર છે. સ્વાભાવિક છે કે કમશયલ ફિલ્મ હોવા છતાં એ રાષ્ટ્રીય એવોર્ડ જીતી તો એનાં કારણો છે. એને માણી શકો છો એમએક્સ પ્લેયર, પ્રાઇમ વિડિયો કે યુટયુબ પર.