એક ડિરેક્ટર બેલડી અને એક પછી એક ઉત્તમ,સફળ વેબ સિરીઝની વણજાર. ફિલ્મી દુનિયામાં ઠીકઠીક નામ કમાયા પછી રાજ અને ડી. કે.એ ઓટીટી વિશ્વમાં એ માપદંડો સર્જ્યા છે જે ઘણાને મીઠી ઈર્ષ્યા કરાવે. એમની લેટેસ્ટ વેબ સિરીઝ ‘ફર્ઝી’એ કમાલની શરૂઆત કરી છે. એમની બીજી અમુક સિરીઝ પણ આવવાને છે.
2013માં સૈફ અલી ખાનને ચમકાવતી એક ફિલ્મ નામે ‘ગો ગોવા ગોન’ આવી હતી. પોતાના સમયની એ જુદી ફિલ્મ હતી. ઘણાને ગમી અને ઘણાએ એને વખોડી. એક વાત નક્કી હતી કે એ રૂટિન ફિલ્મ નહોતી. એ ફિલ્મ સુધીમાં બે સોફ્ટવેર એન્જિનિયર ટર્ન્ડ ફિલ્મમેકર્સ, રાજ નિદિમોરુ અને ક્રિષ્ના ડી. કે.એ ફિલ્મજગતમાં એક દાયકો જોઈ લીધો હતો. અમેરિકામાં મસ્ત મજાની આવકવાળી નોકરી છોડીને તેઓ મુંબઈ આવ્યા હતા, મિશન સાથે કે ફિલ્મો બનાવવી છે. શરૂઆતમાં એમણે બચતને મુંબઈમાં ટકવાનો આર્થિક ટેકો બનાવીને કામ ચલાવ્યું. ‘ગો ગોવા ગોન’ સુધીમાં એમની બે ફિલ્મો, ‘99’ અને ‘શોર ઇન ધ સિટી’એ એટલું સાબિત કર્યું હતું કે એમનું ફિલ્મ ક્રાફ્ટ કંઈક હટ કે છે. ‘શોર ઇન ધ સિટી’નાં ખાસ્સાં વખાણ થયાં હતાં છતાં, સુપર સફળતાની રાજ અને ડીકેને પ્રતીક્ષા હતી.
હવે 2023માં આવો. બીજો એક દાયકો સૈફની પેલી ફિલ્મને થઈ ગયો છે. રાજ અને ડી. કે આજે સૌથી સફળતમ ડિરેક્ટર્સ તરીકે મોજ કરી રહ્યા છે. બોલિવુડ અને ઓટીટીના તમામ કલાકારોને એમની સાથે કામ કરવું છે. દિગ્ગજ ઓટીટી પ્લેટફોર્મ્સ એમને પોતાના કરવા તલસી રહ્યા છે. એ લડાઈમાં હાલપૂરતું નેટફ્લિક્સે જીત મેળવીને ડિરેક્ટર્સ બેલડી સાથે લાંબા ગાળાનો કરાર કરી લીધો છે. એમની લેટેસ્ટ સિરીઝ ‘ફર્ઝી’એ રિલીઝ પહેલાં જે હવા બનાવી એ અસ્થાને નથી રહી. સિરીઝ 10 ફેબ્રુઆરીએ આવી એ સાથે લોકચર્ચાનો વિષય બની અને સફળતાની ટ્રેક પર દોડી રહી છે. ‘મની હાઇસ્ટ’ અને ‘સ્કિવ્ડ ગેમ’ વિદેશી સિરીઝ છતાં આપણે ત્યાં ટૉક ઓફ ધ ટાઉન બની જબ્બર સફળ રહી. એવું જ કંઈક ‘ફર્ઝી’ના મામલે થશે એવા અત્યારે આસાર છે.
રાજ અને ડી. કે. એટલે સફળતા એવી અત્યારે વ્યાખ્યા બની છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. ઓટીટીમાં તેઓ ઓલમોસ્ટ નંબર વન મેકર્સ છે. એમની સફળતાનો પાયો નખાયો મનોજ બાજપાઈને ચમકાવતી 2019ની ‘ધ ફેમિલી મેન’ની સીઝન વનથી. એક અંડરકવર એજન્ટ કે કહો જાસૂસ કઈ રીતે પરિવારથી પોતાના વ્યવસાયની વાસ્તવિકતા છુપાવીને દેશ માટે જિંદગી દાવ પર લગાડીને ફરજ નિભાવે છે એની એમાં વાત હતી. ‘ધ ફેમિલી મેન’ ગુણવત્તા અને પરફોર્મન્સનું પરફેક્ટ કોમ્બિનેશન હતી. ઓરિજિનલ વાર્તા, જે રાજ અને ડી. કે.ની ખાસિયત છે, ધરાવતી સિરીઝ ખાસ્સી જોવાઈ અને લાંબો સમય ટોચ પર રહી. સીઝન ટુ પણ દમદાર હતી. પછી રાજ અને ડી. કે.ની ક્રિએટિવ ક્ષમતા વિશે કોઈને શંકા ના રહી.
શાહિદ કપૂર અને વિજય સેતુપતિ વગેરેને ચમકાવતી ‘ફર્ઝી’ના સર્જન પાછળ રસપ્રદ કિસ્સો છે. એમાં નિષ્ફળ કલાકાર આવકના ધાંધિયા વચ્ચે નકલી ચલણી નોટો છાપવા તરફ વળતો બતાવાયો છે. શરૂઆત જરૂરિયાત માટે કરી એ ધીમેધીમે લોભના વમળમાં અટવાતો જાય છે. વાર્તામાં પછી ગેન્ગસ્ટર અને પોલીસ જોડાય છે. પ્લોટને આઠેક વરસ પહેલાં રાજ અને ડી. કે.એ ફિલ્મ તરીકે ડિમોનિટાઇઝેશન પહેલાં વિચાર્યો હતો. એ વખતે એમણે શાહિદ કપૂરને પ્લોટ જણાવીને સાઇન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે વાર્તા સવિસ્તર હતી. એને ફિલ્મ તરીકે ન્યાય આપવા વિશે મેકર્સમાં અવઢવ હતી.
પછી જે થયું એ સારા માટે. ‘ફર્ઝી’ના પ્લોટને ફિલ્મને બદલે સિરીઝ તરીકે વિકસાવવામાં આવ્યો. ઉપરાંત, મૂળ પ્લોટ વિચાર્યા પછી દેશમાં ખરેખર ડિમોનેટાઇઝેશન આવવાથી પ્લોટમાં ખાસ્સા સુધારા કરવામાં આવ્યા. સુધારા એટલા માટે કે ડિમોનેટાઇઝેશનથી નકલી ચલણી નોટોના દૂષણનો અંત આવવાની વાત હતી. જો નકલી નોટો રહે નહીં તો ‘ફર્ઝી’ બની શકે નહીં. એટલે નવેસરથી પ્લોટ ઘડાયો.