ક્યારેક કહેવાતું કે સ્પોર્ટ્સની ફિલ્મો ભારતમાં ના ચાલે, અને રિયાલિટી શો આપણે ત્યાં કોઈ ના જુએ. હવે એવી સ્થિતિ છે કે વિષય અવે પ્રકાર ગમે તે હોય, સારી રીતે બનેલી ફિલ્મ, સિરિયલ કે વેબ સિરીઝ, લોકો માણવાના જ. ઓટીટી પર ધ્યાન ખેંચનારા એજ્યુકેશન આધારિત શોઝ એની ખાતરી છે
કોવિડ પહેલાંનો સમય હતો. ઓટીટી હજી એવી જમાવટ કરી શક્યાં નહોતાં જેવી આજે છે. એમાં 2019માં ટીવીએફે ‘કોટા ફેક્ટરી’ નામની એક વેબ સિરીઝ ઓનલાઇન મૂકી. રાજસ્થાનના કોટા શહેરની ખ્યાતિ અને કુખ્યાતિથી દેશ પહેલેથી પરિચિત હતો. ખ્યાતિ એ કે દેશમાં કોઈ એક શહેરમાં (શહેર પણ શું, ટાઉન કહો, જેની વસતિ સવા લાખથી ઓછી છે) સૌથી વધુ સંખ્યામાં આઈઆઈટીની જી અને નીતની પરીક્ષા, યુપીએસસી વગેરેની પરીક્ષા માટેના કોચિંગ ક્લાસ ધમધમે છે. કુખ્યાતિ એટલે ત્યાં ઘટતી વિદ્યાર્થીની આત્મહત્યા કે અઘટિત પગલું ભરવાની ઘટનાઓ, કે ત્યાં થતા ડ્રગ્સ વગેરેના કાંડ.
કોટા શહેરના એ ક્લાસેસને કેન્દ્રસ્થાને રાખી ‘કોટા ફેક્ટરી’ નામની વેબ સિરીઝ બની. વિદ્યાર્થીઓ અને શિક્ષકો એમાં મુખ્ય કિરદાર. ટીવીએફના એક હિસ્સા એવા જીતેન્દ્ર કુમાર એમાં શિક્ષકના પાત્રમાં હતા. અહસાસ ચનાના, આલમ ખાન, રંજન રાજ, રેવતી પિલ્લઈ, ઉર્વી સિંઘ સહિતનાં યુવા પણ એમાં હતાં. સિરીઝ એટલી વ્યવસ્થિત હતી કે એને અઢળક ચાહકો મળ્યા. ઓટીટીના કોઈ શોની સફળતામાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી નવી પેઢીને એ ખાસ્સી ગમી. કારણ એમાં કોચિંગ ક્લાસની લાઇફ, એનું સંચાલન વગેરેનું એકદમ બિલિવેબલ પ્રેઝન્ટેશન હતું. બીજું કારણ જીતેન્દ્ર કુમારના શિક્ષક તરીકેના અભિનયે સૌનાં મન મોહી લીધાં.
સૌરભ ખન્નાના આ સર્જને રાઘવ સુબ્બુના દિગ્દર્શનમાં મેળવેલી સફળતા એવી નોધપાત્ર રહી કે યુટ્યુબ પર એ આવી એ પછી નેટફ્લિક્સે એને હસ્તગત કરી. ત્યાં નહીં અટકતા નેટફ્લિક્સે સિરીઝની બીજી સીઝનને પણ લીલી ઝંડી આપી. શિક્ષણને કેન્દ્રમાં રાખીને બનતી સિરીઝ માટે એણે નવી દિશા ઉઘાડી આપી. જેમ ક્યારેક લગાનની મોટ્ટી સફળતાએ સ્પોર્ટ્સ આધારિત ફિલ્મો ચાલી શકે છે એ સિદ્ધ કર્યું હતું એમ.
એમેઝોન મિની ટીવી પર, છ એપિસોડની એક સિરીઝ નામે ‘ફિઝિક્સવાલા’ થોડા સમય પહેલાં આવી. એનો વિષય આ નામે જ ચાલતા અને હવે નેશનલ બ્રાન્ડ બનેલી કોચિંગ ક્લાસના પ્રમોટર અલખ પાંડે અને ક્લાસની શરૂઆતથી બ્રાન્ડ બનવા સુધીની વાત માંડે છે. આ શોને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. એક તો દર્શકોને એમ લાગ્યું છે કે આ શું અલખ સર હોવા છતાં જ્યારે હોય ત્યારે ગુસ્સામાં હોય છે અને કેવું વર્તે છે. વળી એમની બહેનના પાત્ર વિશે પણ લોકોના મતમતાંતરો છે. છતાં એટલું જરૂર કહી શકાય કે આ શો પણ શિક્ષણની દુનિયાને લોકો સમક્ષ લાવ્યો છે.
એક આડવાત એ કરવી રહી કે શિક્ષણ વિશેની સિરીઝ બનાવવાના મામલે ટીવીએફ નામની કંપનીએ બાજી મારી છે. આ કંપનીએ ‘એન્જિનિયરિંગ ગર્લ્સ’, ‘લાખોં મેં એક’, ‘એસ્પિરન્ટ્સ’ અને બીજી પણ શિક્ષણાધારિત વેબ સિરીઝ બનાવી છે. આ બધી લગભગ એવરેજથી સારી રહી છે અથવા સફળ રહી છે. ‘એસ્પિરન્ટ્સ’ એમાં નોખી તરી આવે છે. એનો વિષય હતો આઈએએસ કોચિંગનો. 2021માં એ સિરીઝ આવી હતી. વાત ત્રણ મિત્રોની હતી, નામે અભિલાષ, ગૌરી અને એસકે ઉર્ફે શઅવેત કેતુની. ત્રણેય આઈએએસ અધિકારી બનવા યુપીએસસીની પરીક્ષા ઉતીર્ણ કરવા થનગને છે. ત્રણેય માટે આઈએએસ પરીક્ષામાં સફળ થવાનો છેલ્લો અવસર છે કારણ આ પહેલાં બબ્બે વખતે તેઓ પરીક્ષામાં નાપાસ થયાં છે. ત્રણેય કોટામાં જ ભણે છે અને વાર્તામાં એમનાં અંગત જીવન, પરિવાર વગેરે બધું આવરી લેવામાં આવ્યું છે. નવીન ક્તૂરિયા, શિવાંકિત સિંઘ, અભિલાષ થેપ્લિયાલ, સની હિંદુજા અને નમિતા દુબે એમાં મુખ્ય પાત્રોમાં હતાં. એસ્પિરન્ટ્સે દર્શકોને એવા આકર્ષ્યા કે જેમણે સિરીઝ જોઈ એમણે બીજાને કહ્યું, “લે! એસ્પિરન્ટ્સ નથી જોઈ?! હદ કહેવાય!” બસ, એના લીધે એ પહોંચી અસંખ્ય દર્શકો સુધી.