નાથદ્વારા બદલાઈ રહ્યું છે.
ઠાકોરજીના નગરમાં 369 ફૂટની શિવજીની વિશ્વાસ સ્વરૂપમ પ્રતિમા અનાવરિત થઈ એટલે આવું નથી લખ્યું. એ બેશક સોનામાં સુગંધ ભળવા જેવું છે. મુકેશભાઈએ દેશમાં ફાઇવ-જી ટેક્નોલોજી સૌપ્રથમ નાથદ્વારામાં લૉન્ચ કરી એટલે પણ આવું નથી લખ્યું. નાથદ્વારા ધીમી પણ મક્કમ ગતિએ નવો અવતાર લઈ રહ્યું છે. ઘણું બઘું હજી ઠેરનું ઠેર છતાં ઘણાં પરિવર્તન અને સુધારા દેખીતાં છે.
નાથદ્વારા…
વૈષ્ણવોના સૌથી લાડલા શ્રીનાથજી. કૃષ્ણ ભગવાનનું સાત વરસનું સોણલું સ્વરૂપ શ્રીનાથજી. બનાસ નદીના કાંઠે આવેલા નાથદ્વારાનું નામ ક્યારેક, મુદ્દે સત્તરમી સદીમાં સિંહદ હતું. સિંહદ ગામે શ્રીનાથજી વસ્યા અને એ નાથદ્વારા બન્યું.
નાથદ્વારા જવું મનને પ્રફુલ્લિત કરે છે. એની હવામાં કંઈક તો છે જે નિરાંત કરાવે અને નિરાશા દૂર ભગાવે છે. જીવન રિચાર્જ કરવા જ્યાં પરમાત્મા, પ્રકૃતિ, સંસ્કૃતિ અને સ્વ સાથે નિકટતા અનુભવાય એવા નાથદ્વારા જેવા સ્થળે જવાની આપણી વૃત્તિ પોકળ થઈ રહી છે. થેન્કફુલી, હું એ પેઢીનો પ્રતિનિધિ છું જેને મન શહેરની ભૌતિકતાભરી લહેર સર્વસ્વ નથી. ગામડું, પર્યાવરણ, સરળતા, સમતા જેવી બાબતો મને 2022માં પણ સાચી મિરાત લાગે છે.
આ વખતની નાથદ્વારાની જાત્રા પણ ખાસ રહી. રાજસમંદ જિલ્લાના આ નાનકડા નગરમાં જાત્રાળુઓ માટે બહેતર સુવિધાઓ ઊભી કરવા ફાઇનલી કમર કસવામાં આવી છે એ જણાઈ આવે છે. દર્શન કરવામાં પડતી હડિયાપટ્ટી ઓછી થયાનું સાનંદાશ્ચર્ય અને ખુશી પણ થઈ. છેલ્લા થોડા સમયથી જોકે એવાં ધર્મસ્થળોએ જવાનું માંડી વાળવાનો સ્વભાવ કેળવ્યો છે જ્યાં દર્શન ઓછાં અને હડિયાપટ્ટી ઝાઝી હોય. ત્યાં વસતા ભગવાનને મનોમન ભજી લઉં અને સમજું કે જાત્રા થઈ ગઈ. ભગવાને એવું ક્યાંય ફરમાવ્યું નથી કે દર્શન કરવા ત્રાસ સહન કરવાનો. કણકણમાં ભગવાનની સંસ્કૃતિવાળા દેશમાં કોણે કહ્યું કે ચોક્કસ જગ્યાએ જ ભગવાન બિરાજે છે?