દુનિયાની અડધાથી વધુ પ્રજા ઓનલાઇન છે. કંપનીઓ મોટા પાયે ડિજિટલ પ્રમોશનમાં પૈસા ખર્ચી રહી છે. કોન્ટેન્ટ ક્રિએટર તરીકે, ઇન્ફ્લુએન્સર તરીકે કારકિર્દી બનાવવાનો આ શ્રેષ્ઠ સમય છે
૧૯૮૯માં ગુલશન કુમારની વીડિયો ફિલ્મ ‘લાલ દુપટ્ટા મલમલ કા’ આવી હતી. કલાકારો સાહિલ ચઢ્ઢા અને વિવર્લી હતાં. ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવોદિત નિર્માતા ગુલશન કુમાર માટે થિયેટરમાં ફિલ્મ રિલીઝ કરવી અશક્યવત્ હતી. એક તો આથક તાકાત નહોતી અને થિયેટર્સ પર માંધાતાઓની મજબૂત પકડ હતી. સંગીતની અસાધારણ સૂઝબૂઝ ધરાવતા ગુલશન કુમાર ઉભરતા સંગીતકારો, ગીતકારો, ગાયકોને સાઇન કરી થોકબંધ ગીતો બનાવતાં હતાં. એ ગીતો ટી-સિરીઝ મ્યુઝિક બેન્કમાં જમા થતાં. એમાંનાં ચુનંદા ગીતો ઉપાડીને ગુલશન કુમારે વીડિયો ફિલ્મ બનાવીને ઇતિહાસ રચ્યો.
૨૦૦૪માં હરિયાણવી વીડિયો ફિલ્મ ‘ધાકડ છોરા’ આવી હતી. એમાં ઉત્તર કુમાર હીરો હતા જેમણે ફિલ્મ લખી પણ હતી. સાધારણ પ્રોડક્શન વેલ્યુવાળી એ ફિલ્મે તરખાટ મચાવ્યો હતો. ૨૦૨૨માં પણ એને યાદ કરાય છે.
૧૯૮૯ કે ૨૦૦૪માં આવું સાહસ ખેડવું લોઢાના ચણા ચાવવા જેવું હતું. ૨૦૨૨માં આસાન છે. ત્યારે ઇન્ડસ્ટ્રીના બાપ લોકોની દાઢીમાં હાથ નાખવો મોટી જુર્રત હતી. આજે ટેકનોલોજીએ દરેક માટે તકની દુનિયાના દરવાજા ઉઘાડાફટાક મૂકી દીધા છે. આઇડિયા, જીદ, ઇચ્છા અને આયોજનથી સામાન્ય માણસ પણ સફળ સોશિયલ મીડિયા ઓન્ત્રેપ્રિન્યોર, ઇન્ફ્લુએન્સર, યુટયુબર બની શકે છે. ફિલ્મમેકર પણ બની શકે છે. કેવી રીતે?
એજન્ડા ઠરાવો: યાર-દોસ્તો સાથે યુટયુબર કે ઇન્ફ્લુએન્સર બનવાની વાતો ચોરે ને ચૌટે થાય છે. ઘણાની સફળતાનાં નામ લેવાય છે. હરખપદુડાઓ બીજાનું જોઈજોઈને સમય, પૈસા, શાંતિનો બગાડ કરીને જેમતેમ વીડિયો બનાવી ધારવા માંડે છે કે બસ, આ વાઇરલ થયો જ સમજો, લાખ-બે લાખ લાઇક્સ આવી જ સમજો. દિવાસ્વપ્નોમાં નહીં રાચો. પાકા પાયે લાંબા ગાળા માટે, પૂરી નિા સાથે જ આગળ વધવું હોય તો ચોટલી બાંધીને બેસો. સંશોધન કરો, જાણકારોની સલાહ લો, અને પછી, શું કરવું એ ઠરાવો. સફળ યુટયુબર કે ઇન્ફ્લ્એન્ઝર બનવું સરળ ત્યારે જ થવાનું જ્યારે ઉતાવળનું સ્થાન ગાંભીર્ય અને ઉત્સાહનું સ્થાન આયોજન લેશે.
હાસ્ય માટે હાસ્યાસ્પદ ના બનો: ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટયુબ શોર્ટ્સ, જ્યાં જુઓ ત્યાં એવા હરખપદુડા છે જે હાસ્ય પીરસવા મચી પડયા છે. એ અલગ વાત છે કે ઘણાની ક્રિએટિવિટી દર્શકોને બોર બોર જેવડાં આસુંએ રડાવતી હોય છે. સફળતા હાસ્યની નહીં ગુણવત્તાની મોહતાજ છે. દરેક સર્જક માટે પોતાનું અનોખાપણું પારખવું એ સફળતાની પૂર્વશરત છે. આટલું સમજશો તો કંઈક જુદુ, અફલાતૂન કરવાની પ્રેરણા માહ્યલામાંથી જ મળશે. લોકોનો ભ્રમ છે કે શોર્ટ્સ કે રીલ્સમાં હાસ્ય પીરસવું જ પડે. હાસ્ય પીરસવું આસાન નથી અને ના ફાવતું હોય તો પરાણે પીરસવા હાલી પડવું અનિવાર્ય નથી જ.
જાતને રોકવી ઇમ્પોર્ટન્ટ છે: ઇન્ટરનેટ પર શું ચાલી રહ્યું છે? દર્શકોને શું જોવું ગમે? એવું શું છે જે હું સરસ રીતે બનાવી શકું છું? આ બધું સમજવા માટે સમય કાઢીને બીજાનાં કામ જુઓ. એકાદ-બે વીડિયો જોયા ના જોયા અને, ‘આપણે આવું જ બનાવવું છે,’ એવી શેખી મારશો નહીં. શું બનાવવું એ પાકું સમજાય પછી પ્રથમ પગલું ભરો. એ પણ સમજી લો કે કોઈ નથી બનાવતું એવા વીડિયો બનાવીને ચીલો ચાતરી શકાય છે. જરૂર હોય છે મનોમંથન અને આત્મવિશ્વાસની. ટ્રેન્ડસેટર બનવું અઘરું છે, પણ અશક્ય નથી. આપણે સતત જોઈએ છીએ કે કોઈક નવો ટ્રેન્ડ શરૂ થયો અને સૌ દોડી પડયા એની પાછળ. તો કોઈકે શરૂ કરેલા ટ્રેન્ડ પાછળ દોડવા કરતાં તમે કેમ ટ્રેન્ડ ના સર્જીએ? એ માટે આવશ્યક છે વિચાર, મનોમંથન, અભ્યાસ અને પછી નિર્ણય. ‘ધાકડ છોરા’ કે ‘લાલ દુપટ્ટા મલમલ કા’ની વાત એટલે કરી કે એ ફિલ્મોએ ટ્રેન્ડ સર્જ્યા હતા. પ્રસ્થાપિતોના ગઢમાં ગાબડાં પાડયાં હતાં. એમના સર્જકો પાસે આત્મવિશ્વાસ હતો, પૈસાની રેલમછેલ નહોતી.
નિયમિતતા વિના બધું નકામું: આરંભે શૂરા બનવું હોય તો પ્લીઝ, ઓનલાઇન દુનિયા તરફ દ્રષ્ટિપાત કરતા નહીં. આ ક્ષેત્રમાં સફળતા માટે નિયમિતતા અને સાતત્ય જરૂરી છે. કામ કરતા જાવ એમ એમ ભૂલો પણ સુધારતા રહેવું પડે. એક-બે કે પાંચ વીડિયો મૂક્યા અને ધાર્યા લાઇક્સ કે સબસ્ક્રાઇબર્સ ન મળે એટલે ‘દ્રાક્ષ ખાટી છે…’ એમ કહીને વાવટા સંકેલી લેશો તો નહીં ચાલે. અગણિત સફળ યુટયુબર, ઇન્ફ્લુએન્સર્સે પ્રારંભિક નિષ્ફળતાને વણદેખી કરી આગળ વધતા રહીને મોટી સફળતા મેળવી છે. તેઓ આજે પણ સંકોચ વિના નવી સ્ટ્રેટેજી અપનાવે છે. નિયમિતતા અને નાવીન્ય એ છે સફળતાની કૂંજી.
યોગ્ય ટીમ બનાવો: સોશિયલ મીડિયાની દુનિયામાં શરૂઆત એકલા થઈ શકે. બધું થાળે પડવા માંડે એમ ટીમ જોઈએ. મને બધું આવડે છે એવું નહીં કરવાનું. યોગ્ય લોકોની ટીમ બનાવીને કામ વહેંચતા જવાનું. ટીમનો ફાયદો છે મતમતાંતરો, વૈવિધ્યસભર પદ્ધતિઓ અને એમાંથી નીપજતા યોગ્ય નિર્ણયો. આમાં રોકાણ ત્યારે કરવાનું જ્યારે એ ખાતરી હોય કે હવે આગળ જ વધવું છે. પહેલેથી સાધનો, ટીમમાં મોટું રોકાણ ના કરો તો ચાલે. યોગ્ય સમયે રોકાણ જોકે અનિવાર્યતા છે. બસ, ટાઇમિંગ બરાબર રહે.
સોશિયલ મીડિયા પર કરીઅર બનાવવાનો વિચાર નથી ખોટો કે નથી મોડો, કારણ કે…
- દુનિયા આખીના આશરે સાડાચાર અબજ માણસો સોશિયલ મીડિયાથી કનેક્ટેડ છે. વિચારો કે કરિયર બનાવવા માટે આનાથી મોટું ઓડિયન્સ કે આટલું પ્રચંડ પથરાયેલું પ્લેટફોર્મ ક્યાં મળે? ૨૦૨૭માં તો આ આંકડો વધીને છ અબજ થવાની ધારણા છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને કરિયર બનાવવાનો વિચાર, એટલે જ ક્યારેય ખોટો નથી કે નથી મોડો.
- અગ્રણી ૭૫% કંપનીઓ બ્રાન્ડિંગ અને પ્રમોશન માટેના બજેટનો એક હિસ્સો ઇન્ફ્લુએન્સર્સ પર વાપરી રહી છે. એમના બજેટમાં નિયમિત વૃદ્ધિ પણ થઈ રહી છે. જો આવડત હોય અને ખીલવી શકાય તો એ દિવસ અવશ્ય આવશે જ્યારે સોશિયલપ્યોનર તરીકે તમે ઊંચી આવક કમાઈ શકો.
- ઘણીવાર તમે વાંચ્યું હશે કે એક ટ્વિટ કરવાના ફલાણા સ્ટાર કે ઢીંકણા ક્રિકેટરે આટલા કરોડ લીધા. એ તો થયા સુપરસ્ટાર્સ, પણ ઘણા મારા-તમારા જેવા લોકો જે ઇન્ફ્લુએન્સર્સ બન્યા છે તેઓ પણ એક ટ્વીટ કે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરવાના અમુક હજારથી અમુક લાખ ચાર્જ કરે છે. રિયલી.
- ૨૦૨૫માં માર્કેટિંગ માટે ઇન્ફ્લુએન્ઝર્સ પર થનારા વૈશ્વિક ખર્ચનું બજેટ ૨૪ અબજ ડોલરને પાર કરી જવાનું છે. એટલે ૨૪,૦૦,૦૦,૦૦,૦૦૦ ડોલર એટલે રૂપિયા ૧૯,૬૮,૦૦,૦૦,૦૦,૦૦૦ એટલે ૧૯૬ લાખ રૂપિયા! આમાં ભાગ પડાવવા માટે સોશિયલપ્યોનર બનવામાં કાંઈ ખોટું નથી.
- યુટયુબર, ફેસબુકર, ઇન્સ્ટાગ્રામર વગેરે બનવા માટે, શું કરવું, કેમ શીખવું અને કેમ આગળ વધવું એ બધું જાણવા-સમજવા માટે ઇન્ટરનેટ પર એવો ખજાનો છે કે ખાલી થાય જ નહીં. ફોકસ અને નિર્ધાર સાથે જેઓ આગળ વધવા ચાહે છે તેમણે ખજાનો ઉલેચવા નીકળી પડવાનું.
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 16 ડિસેમ્બર 2022 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ
https://epaper.gujaratsamachar.com/chitralok/16-12-2022/6