અનન્યા પાંડે ભલે કોઈ મોટી સફળ ફિલ્મ કે સિરીઝ આપે કે ના આપે, એના ચાહકો મોટી સંખ્યામાં છે. એની લોકપ્રિયતાને કેન્દ્રમાં રાખીને આ સિરીઝ બની હોય એમ લાગે છે. જોકે એમાં માણવા કે વખણવા જેવું ભાગ્યે જ કશું છે
અનન્યા પાંડેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પાંચ વર્ષ થયાં. ‘સ્ટુડન્ટ ઓફ ધ યર ટુ’ સાથે એણે બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. ફિલ્મ હતી ધર્મા પ્રોડક્શન્સની. આ પાંચ વર્ષમાં અનન્યાને એના રૂપ અને પારિવારિક બેગ્રાઉન્ડને કારણે અનેક તક મળી છે. તેમાં ‘પતિ પત્ની ઔર વો’, ‘ગહેરાઇયાં’, ‘લાઇગર’ ‘ડ્રીમગર્લ ટુ’ વગેરે મુખ્ય કહી શકાય. બદનસીબે, એ પછી પણ હજી સુધી અન્યયા કશું સિદ્ધ કરી શકી નથી. ‘ડ્રીમગર્લ ટુ’માં પ્રમાણમાં એ સારો દેખાવ કરી શકી હતી. અન્યથા એની ગાડી હજી પહેલા ગિયરમાં જ દોડી રહી છે એમ કહીએ તો ચાલે.
હમણાં ઓટીટી પ્લેટફોર્મ્સ પર અનન્યા બે બાબત માટે લાઇમલાઇટમાં છે. એક તો એની સિરીઝ ‘કૉલ મી બે’ માટે અને બીજી, હાલમાં રિલીઝ થયેલી એની ફિલ્મ કંટ્રોલ કે કહો ‘સીટીઆરએલ’ માટે.
સદ્નસીબી અને બદનસીબી બન્નેનું કોમ્બિનેશન અનન્યા પાંડે છે. સદ્નસીબી એટલે કે બોલિવુડમાં આવવાથી લઈને આજ સુધી એને અનેક તક મળી છે. ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરવાના વરસે એને એ વરસની શ્રેષ્ઠ નવોદિતનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. અનન્યા ખૂબસૂરત છે. એનામાં પ્રતિભા નહીં હોય એવું નથી લાગી રહ્યું કારણ એ સરેરાશ કરતાં તો બહેતર લાગે જ છે. છતાં, અનન્યા એની સમકાલીન અભિનેત્રીઓની તુલનામાં હજી સુધી કોઈ જબરદસ્ત પ્રદર્શન કરી શકી નથી. એના ભાગે એવી ફિલ્મ કે એવું પાત્ર નથી આવ્યાં જેના માટે આફરીન પોકારી જવાય. સાથે એ પણ નોંધવું રહ્યું કે એના ભાગે સાવ શોભાની પૂતળી રહેવાનું હોય એવાં પાત્રો ઓછાં આવ્યાં છે. આપણે જે બે નવી રિલીઝની વાત કરવાના છીએ એમાં પણ એનાં પાત્ર તો દમદાર જ છે. તો ચાલો, કરીએ એમની વાત.
એમેઝોન પ્રાઇમ પર આવેલી ‘કૉલ મી બે’ સિરીઝમાં આઠ એપિસોડ છે. સર્જક ઇશિતા મોઇત્રા, સમીના મોટલેકર અને રોહિત નાયર છે. દિગ્દર્શક કોલિન ડી’કુન્હા છે. અનેક વિદેશી ફિલ્મો અને સિરીઝની એના પર સખત છાંટ છે. દાખલા તરીકે “ધ માર્વલસ મિસીસ મૈસલ’, ‘એમિલી ઇન પેરિસ’, ‘ટુ બ્રોક ગર્લ્સ’ વગેરે. ભવ્ય બેકડ્રોપ, શ્રીમંતાઈની રેલમછેલ અને એની વચ્ચે એક કન્યાએ જીવન જીવવા, પોતાની જાત પુરવાર કરવા સંઘર્ષ કરવાનો અને જોવાની દુનિયા, સાવ નવી નજરે. એ છે ‘કૉલ મી બે’નો કથાસાર.
દિલ્હીના અતિ ધનાઢ્ય ઘરમાં પેદા થયેલી બેલા ઉર્ફે બેની એની માની એકમાત્ર દીકરી છે. એનો ઉછેર થયો જ છે એવા લક્ષ્ય સાથે કે દેશના ટોચના ધનકુબેર ઘરમાં એ વહુ તરીકે જાય. બેનાં લગ્ન થાય છે અગત્સ્ય (વિહાન સામત) સાથે જે અકલ્પનીય હદે અમીર ઘરનો નબીરો છે. પતિ પાસે બેને આપવા અપાર પૈસા છે પણ મુઠ્ઠીભર સમય નથી. બેઉ વચ્ચે વધતાં અંતર વચ્ચે બેલા આકર્ષાઈ જાય છે એના ટ્રેનર પ્રિન્સ (વરુણ સૂદ) તરફ અને પકડાઈ જાય છે છાનગપતિયાં કરતાં. બસ, પતિ અને મા બેઉના પરિવાર બેને એના ભાગ્ય પર મૂકી દે છે. બેલા પાટનગર છોડીને પહોંચે છે મુંબઈ અને શરૂ થાય છે સાવ નવીનક્કોર જર્ની.