ટેલિવિઝનની જેમ ઓટીટી પર પણ ક્રિકેટ થકી આધિપત્ય સ્થાપવા પ્લેટફોર્મ્સ મરણિયાં થયાં છે. એનાં ટેમ્પરરી તગડાં પરિણામ બેશક મળી રહ્યાં છે. લાંબા ગાળે જોકે આ રણનીતિ બિલકુલ ચાલવાની નથી
આઈપીએલ વખતે દર્શકને અલગ અલગ એન્ગલથી મેચ જોવાની સગવડ આપવામાં આવી હતી. ફાઇવ-જી અને ભવિષ્યમાં સિક્સ-જીને લીધે ઓટીટી સ્ટ્રીમિંગ સતત બહેતર થતું રહેવાનું છે
હતી એ બસ એક મેચ અને એને ઓટીટી પર જોવા ઉમટયા ચાર કરોડ ને ત્રીસ લાખ લોકો. દિવસ હતો ૧૪ ઓક્ટોબરનો. ટુર્નામેન્ટ હતી આઈસીસીની પુરુષોની હાલમાં જમાવટ કરી રહેલી ક્રિકેટ વર્લ્ડ કપની. એના એક અઠવાડિયા પહેલાં, આ ટુર્નામેન્ટની ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ વખતે ઓટીટી પર મેચ જોનારાની સંખ્યા હતી સાડાત્રણ કરોડની.
ડિઝની પ્લસ હોટસ્ટારે પાછલા નવેક મહિનાના ગાળામાં બે કરોડ જેટલા સબસ્ક્રાઇબર્સ ગુમાવ્યા હતા. એ પછી એણે સેટ કરેલા આ રેકોર્ડ્સ બહુ મહત્ત્વ રાખે છે. આ ઓટીટીએ સબસ્ક્રાઇબર્સ એટલે ગુમાવ્યા હતા કે જિયો સિનેમાએ ક્રિકેટના ગઢમાં પોતાના આગમનની છડી પોકારી હતી. આવતાવેંત એણે આઈપીએલ ટીટ્વેન્ટી ટુર્નામેન્ટ મફતમાં સ્ટ્રીમ કરી હતી. એમાં એવું ઝાડું માર્યું એણે કે ઓટીટીના વેપારમાં થાળે પડેલા અને થાળે પડવા મરણિયા થયેલા સૌ દિગ્મુઢ થઈ ગયા હતા.
ક્રિકેટના પ્રભાવની આ તાકાત છે. એક જમાનામાં ટેલિવિઝન પર પોતાનો ઝંડો ફરકાવવા સ્ટાર, સોની, ઝી વગેરેએ જે રણનીતિ અખત્યાર કરી હતી એ ડિટ્ટો હવે અજમાવવામાં આવી રહી છે ઓટીટી પર. જિયો સિનેમાના આગમન સુધી ક્રિકેટના ખેલ સાથે સંકળાયેલાં ઓટીટીનાં ગણિત લગભગ વેલ સેટ હતાં. જિયોએ બધાનાં ગણિત ઉપરતળે કરવાની શરૂઆત કરી. એમાં જ્યારે વર્લ્ડ કપ રમાતો હોય, ભારતમાં રમાતો હોય, અને ભારત કપ જીતવા હોટ ફેવરિટ હોય ત્યારે સિચ્યુએશન સંગીન પણ થાય છે અને નબળાં ઓટીટી પ્લેટફોર્મ્સ માટે ગંભીર પણ.
અત્યારે દર્શકોના દુકાળનો અનુભવ ડિઝની છોડીને બધાં ઓટીટી પ્લેટફોર્મ્સ કરી રહ્યાં છે. સમજો કે કોઈને રસ નથી ક્રિકેટ સિવાય કશું જોવામાં. એમાં વળી રોજેરોજ મેચ. રોજેરોજ રસાકસી. ટીવીની હાલત પણ જુદી નથી. સિરિયલ્સની, રિયાલિટી શોઝની ટીઆરપી ટાઢીબોળ પડી છે. રવિવાર, ૧૯ નવેમ્બરે જ્યાં સુધી ટુર્નામેન્ટની ફાઇનલ પતશે નહીં ત્યાં સુધી ઓટીટી માટે કપરાં ચઢાણ છે.
વાત એકલા ભારતની નથી. પાડોશી પાકિસ્તાનનો દાખલો લો. ત્યાં આ ટુર્નામેન્ટ ત્રણ ઓટીટી પ્લેટફોર્મ્સ પર મફતમાં સ્ટ્રીમ થઈ રહી છે. એ છે દારાઝ, તમાશા અને માયકો. ટપમેડ નામના અન્ય એક પ્લેટફોર્મ પર પણ આ ટુર્નામેન્ટ જોઈ શકાય છે પણ એ પેઇડ સવસ છે. એમાંની માયકો એપ મૂળ યુએઈની અને પાકિસ્તાનમાં નવીનવી શરૂ થઈ છે. ક્રિકેટના સ્ટ્રીમિંગે એને ફટાફટ વિકસવાની તક પૂરી પાડી છે. એટલી તગડી કે પાકિસ્તાનમાં એન્ટરટેઇનમેન્ટ પીરસતી અને ગૂગલ પ્લે પરથી સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ્સમાં એ બીજા નંબરે પહોંચી ગઈ છે. એના સબસ્ક્રાઇબર્સ જોતજોતામાં પચાસ લાખના આંકડાને આંબી ગયા છે, જેમાંના વીસ લાખ તો આ ટુર્નામેન્ટ શરૂ થઈ ત્યારથી એને મળ્યા છે.