ડબિંગ અને ઓટીટીએ ભેગાં મળીને કેટલીયે ભાષાની ફિલ્મો અને શોઝ સૌને જોવા માટે આસાન કરી દીધાં છે. તેલુગુ અને તામિલ ભાષાની બે એવી ફિલ્મોની આજે વાત કરીએ જે રિયલ એન્ટરટેઇનર છે
અમુક મજાની ફિલ્મોનું સર્જન અણધારી અને અનપેક્ષિત રીતે થતું હોય છે. એવી એક ફિલ્મ ‘સિનેમા બાન્દી’ છે. આ તેલુગુ ફિલ્મ 2021માં નેટફ્લિક્સ પર આવી હતી. દર્શકોએ એને ભરપૂર માણી હતી. પ્રવીણને એ ફિલ્મ માટે એ વરસના સૌથી આશાસ્પદ નવોદિત ડિરેક્ટર તરીકે માન-અકરામ પણ મળ્યા હતા. ‘સિનેમા બાન્દી’ની વાર્તા મજાની છે. પડદે પણ એ ખાસ્સી રોચક છે. ફિલ્મની વાત કરતા પહેલાં એ કેવી રીતે બની એ વિશે વાત કરવા જેવી છે.
સિનેમા બાઝાર નામની એક નિયમિત ઇવેન્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થાય છે. એમાં ફિલ્મ બનાવવા આતુર લેખકો, ડિરેક્ટર્સ વગેરે પોતપોતાના આઇડિયાઝ લઈને જતા હોય છે. ઇન્ડસ્ટ્રીના પ્રસ્થાપિત મેકર્સ, પ્રોડ્યુસર્સ વગેરે પણ સિનેમા બાઝારમાં જોડાતા હોય છે. નવોદિતો અને અનુભવીઓ વચ્ચેના આ મિલનથી ઘણીવાર એવી ફિલ્મો આકાર લેતી હોય છે જે અન્યથા કદાચ ના બની હોત.
સિનેમા બાઝારની આવી જ એક ઇવેન્ટમાં પ્રવીણ કેન્દ્રાગુલા નામના આશાસ્પદ ડિરેક્ટર અને વસંત મરીનગન્તી નામના લેખક એકવાર ગયા હતા. ત્યાં એમનો ભેટો રાજ અને ડીકે સાથે થયો. ‘ફેમિલી મેન’ વેબ સિરીઝ સહિત વિવિધ સફળ ફિલ્મોના આ મેકર્સ સમક્ષ પ્રવીણ અને વસંતે એક ફિલ્મનો આઇડિયા રજૂ કર્યો. વાત સિમ્પલ હતી. નાનકડા કોઈ ગામમાં એક જણ રિક્શામાં એનો કેમેરા ભૂલી જાય છે. રિક્શાચાલકને કેમેરા મળે છે અને એના મિત્ર સાથે મળીને એ નક્કી કરે છે ફિલ્મ બનાવવાનું. કોન્સેપ્ટ જાણ્યા પછી રાજ અને ડીકેએ પ્રવીણ-વસંતને કહ્યું, “સરસ. સ્ક્રિપ્ટ લખો એ પછી જોઈએ.” સ્ક્રિપ્ટ લખવામાં આવી. રાજ અને ડીકેને એ ગમી ગઈ. એમણે પ્રવીણને કહ્યું, “હવે ફિલ્મ બનાવો.” પ્રવીણે ફિલ્મ શૂટ કરી. જીવનમાં એ પહેલીવાર ફિલ્મ બનાવી રહ્યા હતા. એમણે નાનકડા ગામમાં શૂટિંગ કરતા અમુક સ્થાનિકોને એમાં કલાકાર-કસબી તરીકે તક આપી. શૂટ થયા પછી ફિલ્મ રાજ-ડીકેને દેખાડવામાં આવી ત્યારે એક મોટી મુશ્કેલી એની લંબાઈની હતી. ફિલ્મ હતી ચાર કલાકની. આજના જમાનામાં કોણ ચાર કલાકની ફિલ્મ જોવાના? એને કાપીકાપીને છેવટે નેવુ મિનિટની ફિલ્મ ફાઇનલ કરવામાં આવી. એ પહોંચી દર્શકો સુધી.