યા અઠવાડિયે ‘મિલી’ આવી. જાહ્નવી કપૂરની એ ફિલ્મ સાઉથની સફળ ફિલ્મની રિમેક છતાં, ડબ્બો રહી. પહેલા ત્રણ દિવસમાં ભારતમાં માંડ ૧.૭૭ કરોડ કમાઈ. થોડી સારી દશા કેટરિના કૈફની ‘ફોન ભૂત’ની હતી, જે પહેલાં ત્રણ દિવસ દરમિયાન ડોમેસ્ટિક માર્કેટમાં આશરે ૭.૮૫ કરોડ રળી શકી. સોનાક્ષી સિંહાની ‘ડબલ એક્સએલ’ એવી પીટાઈ કે પહેલા વીકએન્ડમાં માંડ પચાસ લાખે પહોંચી. કલેક્શનના આંકડા સાથે ફિલ્મોની સ્ક્રીન્સ પણ ઘટી રહી છે. ‘મિલી’ની સ્ક્રીન્સ ૫૦૦થી વધુ નહોતી. ‘ફોન ભૂત’ ૧,૪૦૦ સ્ક્રીન્સ પર અને સોનાક્ષીની ફિલ્મ ઇન્ડિયામાં માત્ર ૫૦૦ સ્ક્રીન્સ પર આવી. આ વરવો સમય ક્યારે ખમ્મા કરશે એ કહેવું અઘરું છે. એવામાં બોલિવુડના સિતારા માટે ઓટીટી પ્લેટફોર્મ્સ સેફ હેવન સાબિત થઈ રહ્યાં છે. ઓટીટી પર કલેક્શનનું દબાણ નથી હોતું. એની નિષ્ફળતાની સ્ટારડમ કે પ્રાઇસ પર ગંભીર અસર પડતી નથી. ફિલ્મ એકાદ અઠવાડિયામાં ફેંકાઈ જઈ શકે, પણ ઓટીટીની રજૂઆત મહિનાઓ સુધી ટકે. એટલે સ્ટાર્સ પણ ઓટીટીની કતારમાં છે. એકલા સ્ટાર્સ નહીં મોટા મેકર્સ પણ કતારમાં છે. ચાલો જાણીએ એ સ્ટાર્સ અને મેકર્સ વિશે.

આદિત્ય રોય કપૂરઃ ‘આશિકી ટુ’ ફેમ આદિત્ય રોય કપૂરે એ પછી હમણાં સુધી કોઈ તોપ કહી શકાય એવી હિટ ફિલ્મ આપી નથી. આદિત્ય દેખાશે ૨૦૧૬ની સફળ બ્રિટિશ વેબ સિરીઝ ‘ધ નાઇટ મેનેજર’ની રિમેકમાં. એમાં અનિલ કપૂર પણ છે. વિવિધ એવોર્ડ્સમાં ૩૬ નોમિનેશન મેળવીને આ સિરીઝ ૧૧ ઓવોર્ડ્સ જીતી હતી. ઓરિજિનલ સિરીઝ પ્રાઇમ વિડિયો પર છે. રિમેકનું નામ કદાચ ‘કેપ્ટન’ છે. પ્લોટ એવો છે કે ઇજિપ્તના કૈરો શહેરની એક લક્ઝરી હોટેલનો નાઇટ મેનેજર ભૂતપૂર્વ સૈનિક પણ છે. એને સિક્રેટ મિશન સોંપવામાં આવે છે જેમાં એણે શોના સોદાગરના સર્કલમાં પ્રવેશી એક મિશન પાર પાડવાનું છે. આદિત્યની ‘લુડો’ ફિલ્મ લાકડાઉન વખતે સીધી નેટફ્લિક્સ પર આવી હતી. વેબ સિરીઝમાં આદિત્ય પેહલીવાર દેખાશે.

રાજકુમાર રાવઃ ‘લુડો’માં રાજકુમાર રાવ પણ હતા. એમની ‘છલાંગ’ પણ લાકડાઉનમાં સ્ટ્રેઇટ-ટુ-ઓટીટી ફિલ્મ બની હતી. ૨૦૧૭ની ‘બોસઃ ડેડ/અલાઇવ’ નામની ઓલ્ટ બાલાજીની વેબ સિરીઝમાં પણ રાવ હતા. છતાં, નેટફિલ્ક્સની ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’ એમના માટે પ્રોપર ઓટીટી ડેબ્યુનું માધ્યમ હશે. આ સિરીઝ પાસેથી લોકોની ઊંચી અપેક્ષા રહેશે, કારણ એના સર્જક રાજ એન્ડ ડીકે છે. આ જોડીએ મનોજ બાજપાઈવાળી ‘ધ ફેમિલી મેન’ જેવી ટોપ સિરીઝ આપી હતી. ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ’ જેવો રેટ્રો લૂક ધરાવતી આ સિરીઝનું ટીઝર સપ્ટેમ્બરમાં આવ્યું હતું. રિલીઝ ડેટ આવી નથી. રાવના ચાહકો પ્રતીક્ષામાં છે સિરીઝની.

દુલકર સલમાનઃ આ મલયાલમ અભિનેતા નેશનલ પોપ્યુલારિટી ધરાવે છે. હમણાં જ ‘સીતારામમ’ અને ‘ચૂપ’ જેવી ફિલ્મોમાં દર્શકોએ એમને જોયા છે. એ પણ રાવ સાથે ‘ગન્સ એન્ડ ગુલાબ્સ’માં લીડમાં છે. એમની આ પહેલી ઓરિજિનલ હિન્દી વેબ સિરીઝ છે.

સોનાક્ષી સિંહાઃ ‘ડબલ એક્સએલ’થી ફરી નિષ્ફળતા ચાખનારાં સોનાક્ષીની કારકિર્દી ડચકાં ખાઈ રહી છે. ક્યાં ‘દબંગ’નો સુપર સમય અને ક્યાં આજની હાલત. ઓટીટી પર ક્રાઇમ થ્રિલર ‘દહાડ’ સાથે એમનું પદાર્પણ થશે. સિરીઝનું પહેલાં નામ ‘ફાલન’ હતું. નિર્માતા ફરહાન અખ્તર અને રિતેશ સિધવાનીની આ સિરીઝ રીમા કાગતીએ ડિરેક્ટ કરી છે. સાથે ગુલશન દેવૈયા, સોહમ શાહ, વિજય વર્મા જેવા અભિનેતા છે. ગયા વરસે ઓટીટી પર આવેલી ‘ભુજ’ ફિલ્મમાં પણ સોનાક્ષી હતાં. એમની ફર્સ્ટ વેબ સિરીઝ હવે આવશે. સિરીઝમાં એ પોલીસ અધિકારી અંજલિ ભટ્ટ બન્યાં છે. બેકડ્રોપ જોધપુર અને રાજસ્થાનનું છે.

શાહિદ કપૂરઃ રાજ એન્ડ ડીકેની ‘ફર્ઝી’ નામની વેબ સિરીઝમાં શાહિદ છે. સાથે વિજય સેતુપતિ, કે. કે. મેનન, ઝાકિર હુસૈન અને અમોલ પાલેકર છે. ફર્સ્ટ લૂક પ્રાઇમ વિડિયો પર આવી ચૂક્યો છે. રિલીઝ ડેટ આવી નથી. નવ એપિસોડની સિરીઝથી શાહિદ ઓટીટી પર કેવાક છવાય છે એ ખબર પડશે.

કરીના કપૂરઃ ઓટીટી સ્ટાર જયદીપ અહલાવત સાથે કરીના કપૂરની એક ફિલ્મની જાહેરાતે ખાસ્સી ઉત્કંઠા જગાડી છે. દિગ્દર્શક સુજોય ઘોષ છે. ૨૦૦૫માં આવેલી કૈગો હિગાશિનોની નોવેલ ‘ધ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સ’ના આધારે આ ફિલ્મ બની રહી છે. એ જાપાન, કોરિયા અને ચીનમાં ફિલ્મ તરીકે આવી ચૂકી છે. હોલિવુડમાં પણ ફિલ્મ બની રહી છે. વાર્તા સિંગલ મધરની છે, જેણે દીકરી સાથે મળીને ગુનો કર્યો છે. ગુનો છાવરવા પાડોશી એમની મદદ કરે છે.

વરુણ ધવનઃ ‘સિટાડેલ’ નામની વિબ સિરીઝનું હાલમાં શૂટિંગ શરૂ થયું છે. એના દિગ્દર્શકો પણ રાજ એન્ડ ડીકે છે. સિરીઝમાં વરુણ સાથે સામંતા છે. બેઉ જાસૂસના પાત્રમાં છે. આ વેબ સિરીઝની અન્ય પ્રદેશોની સ્પિન ઓફ્ફ એટલે કે અલગ વર્ઝન પણ બનવાની છે, જેમાં ‘સિટાડેલ ઇટાલી’, ‘સિટાડેલ મેક્સિકો’ વગેરે હશે. ફિલ્મ ‘૮૩’માં મોહિન્દર અમરનાથનું પાત્ર ભજવનાર સાકિબ સલીમ પણ મહત્ત્વના પાત્રમાં છે. વાર્તા ૧૯૦૦ અને ૧૯૯૦ વચ્ચે બે સમાંતર ટ્રેક પર ચાલે છે. યોગાનુયોગે પ્રિયંકા ચોપડાની આગામી અમેરિકન વેબ સિરીઝનું ટાઇટલ પણ ‘સિટાડેલ’ છે, જેને રુસો બ્રધર્સે ડિરેક્ટ કરી છે અને જે અમેઝોન પ્રાઇમ પર સ્ટ્રીમ થશે.

કાજોલઃ ડિઝની હોટસ્ટારની વેબ સિરીઝ ‘ધ ગુડ વાઇફ’થી કાજોલ ઓટીટી પર આવી રહ્યાં છે. અમેરિકન વેબ સિરીઝ પર આધારિત આ દેશી સિરીઝનું તડામાર શૂટિંગ જારી છે. કાજોલ આ પહેલાં નેટફ્લિક્સની ‘ત્રિભંગા’ નામની ફિલ્મમાં દેખાયાં હતાં. સફળ અમેરિકન સિરીઝ સાત સીઝન ચાલી છે. અંદાજ લગાડી શકાય કે કાજોલે ઓટીટી માટે એક પરફેક્ટ સિરીઝની પસંદગી કરી છે. જોઈએ.

સારા અલી ખાનઃ સારાએ હજી એવી ફિલ્મ આપવાની બાકી છે જેના લીધે એ મોટી સ્ટાર્સ ગણાય. સ્ટાર માતાપિતાની આ દીકરી તરીકે એ બિગ લીગમાં તો છે જ. સારાની ફિલ્મ ‘અતરંગી રે’ લાકડાઉનને લીધે સીધી ઓટીટી પર આવી હતી. કરણ જોહર સારાને લઈને ઓટીટી માટે ‘અય વતન મેરે વતન’ ફિલ્મ બનાવી રહ્યા છે. ડિરેક્ટર કન્નન ઐયર છે. ૧૯૪૨ના ભારત છોડો આંદોલન વખતની વાર્તા છે. વરુણ ધવન આ ફિલ્મમાં પણ છે. રજૂઆત પ્રાઇમ વિડિયો પર થશે.

સિદ્ધાર્થ મલ્હોત્રાઃ એક્કા સર્જક રોહિત શેટ્ટી પ્રાઇમ વિડિયો માટે ‘ઇન્ડિયન પોલીસ ફોર્સ’ સિરીઝ બનાવી રહ્યા છે. એમાં સિદ્ધાર્થ સાથે વિવેક ઓબેરોય અને શિલ્પા શેટ્ટી છે. રોહિત શેટ્ટીની ફિલ્મો દર્શકોની અપેક્ષામાં ખરી ઊતરતી રહી છે. એમની વેબ સિરીઝનું શું થાય છે એ સમય આવ્યે ખબર.

સુનીલ શેટ્ટીઃ ‘ધારાવી બેન્ક’ નામની ઇન્ટરેસ્ટિંગ વેબ સિરીઝ એમએક્સ પ્લેયર પર આવી રહી છે. એમાં શેટ્ટી સાથે વિવેક ઓબેરોય અને સોનાલી કુલકર્ણી છે. ટીઝર બહાર પડી ચૂક્યું છે. સુનીલ તલાઇવાના પાત્રમાં છે. સમીત કક્કડ દિગ્દશત આ વેબ સિરીઝ પહેલાં ‘હોર્સેસ સ્ટેબલ’ નામનો એક યુટયુબ શો શેટ્ટી કરી ચૂક્યા છે.

ટ્વિન્કલ ટ્વિન્કલ ઓટીટી સ્ટાર્સ

આલિયા ભટ્ટ, દીપિકા પદુકોણ, અનન્યા પાંડે, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, આયેશા જુલ્કા, જુહી ચાવલા, અજય દેવગન, સુસ્મિતા સેન, વિવેક ઓબેરોય, શિલ્પા શેટ્ટી, સોનાલી બેન્દ્રે, કરિશ્મા કપૂર, રવિના ટંડન, પૂજા ભટ્ટ, ટિસ્કા ચોપરા સહિતનાં અનેક કલાકારો ઓટીટી પર પદાર્પણ કરી ચૂક્યાં છે.

અનુષ્કા શર્મા આવતા વરસે ક્લીન ઓટીટી નામનું પોતાનું પ્લેટફોર્મ લાન્ચ કરવાનાં છે. એમાં મહિલાલક્ષી વિષયો કેન્દ્રસ્થાને રહેશે.

શ્રેયસ તળપદેએ નાઇન રસા નામનું ઓટીટી પ્લેટફોર્મ એપ્રિલ ૨૦૨૧માં લાન્ચ કર્યું હતું. નાટકો સહિતના પરફોમગ આર્ટ્સ માટે એ હોવાનું જણાવાયું હતું. જોકે આ લખતી વખતે એને ચકાસવાનો પ્રયાસ કર્યો તો ના એ વેબસાઇટ પર ચાલ્યું કે ના એની ડાઉનલોડ કરેલી એપ ચાલી.

અભિનેતા સ્વપ્નિલ જોશીએ હાલમાં જ બહુભાષી વનઓટીટી પ્લેટફોર્મ લાન્ચ કર્યું છે. એમાં ગુજરાતી સહિતની ભાષાઓમાં કાર્યક્રમો છે.

બોલિવુડના નંબર વન બેનર યશરાજ ફિલ્મ્સના આદિત્ય ચોપરા વાયઆરએફ એન્ટરટેઇનમેન્ટ ઓટીટી પ્લેટફોર્મ લાન્ચ કરવાના છે. યશરાજની ફિલ્મો ખરાબ રીતે પીટાઈ રહી છે ત્યારે પ્લેટફોર્મ લાન્ચની તૈયારીઓ વિશે કશું જાહેર નથી થઈ રહ્યું. ડિસેમ્બર ૨૦૨૧માં એની પહેલી વેબ સિરીઝ ‘ધ રેલવે મેન’ અનાઉન્સ થઈ હતી. ઓટીટી માટે આદિત્ય રૂપિયા ૫૦૦ કરોડનું પ્રારંભિક રોકાણ કરવાના છે.

જેમણે ઓટીટી પ્લેટફોર્મ બહુ વહેલા શરૂ કર્યું એવાં સિલિબ્રિટીઝમાં એકતા કપૂર (ઓલ્ટ બાલાજી), અરુનભ કુમાર (ટીવીએફ પ્લે), અલ્લુ અરવિંદ (આહા) અને શ્રીકાંત મોહતા તથા મહેન્દ્ર સોની (હોઈચોઈ) સામેલ છે.

વચ્ચે શાહરુખ ખાન પોતાનું ઓટીટીપ્લેટફોર્મ એસઆરકે પ્લસ લાવશે એવી જાહેરાત હતી. જોકે એ ડિઝની હોટસ્ટારનું પ્રમોશન હતું. ખાન ખરેખર પ્લેટફોર્મ લાવી રહ્યા હોય એવું લગભગ લાગતું નથી.

  • મોટા પડદાથી સ્ટાર્સને કદાચ ધરવ નથી. અથવા ઓટીટીનો નાનો પડદો ખાસ્સો મોટો અને મહત્ત્વનો થઈ ગયો છે. એટલે બોલિવુડના સિતારા આ દિશાએ વળ્યા છે. ઘણા આવી ગયા અને ઘણા કતારમાં છે.
  • બોલિવુડ મુશ્કેલીમાં છે. રિલીઝના સપરમા શુક્રવારે ત્રીસ-પચાસ કરોડનાં કલેક્શને હિન્દી ફિલ્મો સાથે કિટ્ટા કરી છે. ઘણી ફિલ્મો એવી ડૂબી રહી છે કે આપણે દયા ખાતાં કહેવું પડે, ‘અરરર… આ બાપડી ફિલ્મને જોવા કો’ક તો જાવ.’
(ગુજરાત સમાચારની સંજયની કૉલમ ઑનલાઇન ઝિંદાબાદમાં શુક્રવાર તા. 11 નવેમ્બર 2022 પ્રસિદ્ધ થયેલો લેખ)
આ લેખ ગુજરાત સમાચારમાં વાંચવા અહીં ક્લિક કરોઃ https://epaper.gujaratsamachar.com/chitralok/11-11-2022/6
Share: